પેલો સન્નાટો
પેલો સન્નાટો
પેલા ભારેખમ સન્નાટાને પણ અવાજ હોય છે,
જગતને નડી રહેલી મહામારીનો હુંકાર હોય છે,
કોઈએ પાથરેલા શબ્દોના પડઘા હોય છે,
વાતાવરણમાં પ્રસરેલા જીવંત પડછાયા હોય છે,
કોઈના ભૂતકાળના રંગીન વાયદા હોય છે,
જીવાઈ ગયેલી યાદગાર પળના ઓછાયા હોય છે,
ન કહેવાયેલા સંવાદની મૌન વેદના હોય છે,
રહી ગયેલી વાતોના સુંદર નજરણાં હોય છે,
વહી ગયેલા જમાનાએ પરોવેલા અનુભવ હોય છે,
ઊડતાં પંખીઓને જોઈને લખેલી કવિતા હોય છે,
વહેલી પરોઢના ઝાકળબિંદુ પર ફેલાયેલી તાજગી હોય છે,
વિરામ પામી ગયેલા સ્વજનની નજર હોય છે,
દૂર રહી ગયેલા અંગતની ફિકર હોય છે,
કોણે કહ્યું કે સન્નાટાને માત્ર ઉદાસ ચુપ્પી હોય છે !
સાંભળી જુઓ તો..
પેલા ભારેખમ સન્નાટાને પણ અગણિત અવાજ હોય છે,
બસ, એમાં માનવજાતના સલામત ભવિષ્યની કામના હોય છે.