સમયના છેડા સુધી
સમયના છેડા સુધી
સામેથી સહસા પસાર થઈ જે લાગ્યું મને તું હતી,
આંખો બંધ કરી જરીક મનમાં એ યાદ તારી હતી,
તંદ્રામાં પણ તું નિરાશ મનને શાતા ઘણી આપતી,
તારાથી અળગા થતાંજ મુજને મા યાદ તું આવતી,
આંખોમાં ભરતાં છબી મલકતી જો આંખડી ભીંજતી,
ખોળામાં રમતાં ઘણી વખત તો ખોટું મને ખીજતી,
યાદોના ઉરમાં ભર્યાં ઉમડતા અંભોદ આંખો થકી,
વર્ષા એ વરસી રહી નયનથી ચોપાસ તું ભાસતી,
તારો હાથ સદા શિરે સમયનાં છેડા સુધી રાખજે,
તારા અશિષથી તમામ વિપદા ટાળી ખુશી આપજે.