કોને કહું
કોને કહું
એક જ મનના બે છે વિચારો, સારા નરસા કોને કહું !
અંતરમાં કોઈ મંથન માંડ્યું, મહી કે માખણ કોને કહું !
સફળ થવાના બે રસ્તા છે, સાચા ખોટા કોને કહું !
માનવમાં બે તત્વ છુપાયાં, દેવ કે દાનવ કોને કહું !
જીવનના સંઘર્ષે હાર્યો, નિતિ અનિતિ કોને કહું !
સમય સમયનું કામ કરે છે, યશ કે અપયશ કોને કહું !
કર્મના તાલે નાચે સહુ તો, કર્યું કારવ્યું કોને કહું !
કર્મ પ્રભાવે દુઃખ આવે તો, નિમિત્ત કે દોષી કોને કહું !
દ્વંદ્વ ચાલતું મન માંહે પણ, બુદ્ધિ સુબુદ્ધિ કોને કહું !
સંજોગોને વશ છે માનવ, દૈવી આસુરી કોને કહું !