મને નેતા થવાનો ભય છે
મને નેતા થવાનો ભય છે
ક્યાં કોઈ આશય છે, મને નેતા થવાનો ભય છે,
ક્યાં હજુ તો વય છે, મને નેતા થવાનો ભય છે,
કેમ મિલાવું તાલ ભ્રષ્ટાચારની મહેફિલમાં,
લથડાતો લય છે, મને નેતા થવાનો ભય છે,
કાચો પડું હું મદિરા, જુગાર, લલનાઓમાં,
નશો ચડાવે પય છે, મને નેતા થવાનો ભય છે,
(પય=દૂધ, પાણી)
નથી શીખ્યો દાવ-પેચ-છટકબારીની રમતો,
ક્યાં લોહીમાં નય છે, મને નેતા થવાનો ભય છે,
(નય=રાજનીતિ)
છોડી દે ‘સાગર’ આવા નેતાનાં સપનાં જોવાનું,
મોટો તે આમય છે, મને નેતા થવાનો ભય છે.
(આમય=રોગ)
