શિયાળ બન્યું મેનેજર
શિયાળ બન્યું મેનેજર
શિયાળ ભાઈ ભણીને આવ્યાં
જંગલમાં નવા નિયમ લાવ્યાં
નાના મોટા વચલાનાં ભાગ
ઘોરખોદાને કહે તું રાતે જાગ
નિયત થયા મૂકવા ઈંડા ઝાડ
કોઈ લડાવે બચ્ચાંને ના લાડ
ઢેલને મૂકવા ટગલી ડાળે
નાગણ સેવશે સુઘરી માળે
ચણવા ચરકવા સમય નક્કી
શિયાળ પૂછીને ઉડશે ચક્કી
બોર પાકશે આંબલી આંબે
શિયાળ બચ્ચા મઢશે તાંબે
મનાઈ છે વાદળને ઊડવાની
ના ચિંતા વરસાદ પડવાની
પવનને કર્યો વહેતો બંધ
ભલે આવે જંગલમાં ગંધ
ફૂલ હવેથી ખીલશે રાતે
એક જ રંગના દરેક નાતે
ભ
રો રોજ મોટો અહેવાલ
હોય ભલે ને ખોટો હેવાલ
કહેવાનું કોઈ નથી બેહાલ
પૂછ્યા નહિ કોઈના હાલ
દોર્યા ચિત્ર વિચિત્ર આલેખ
રંગીન લખે ભરમાવા લેખ
સમય પત્રક જાતજાતનાં
જૂદા છે વળી નાતનાતનાં
બન્યા નોખી વાતવાતનાં
મહેતા રાખ્યા ભાતભાતનાં
લઈ કબીલા પરદેશ ચાલ્યાં
પારકે પૈસે ખૂબ મહાલ્યાં
ઊંચે ઊંચે વિમાન ઉડાડ્યા
પશુ પંખી જીવન ઉઝાડયા
વનમાં પૌધા ઝાડ સૂકાયા
જીવ ગયો ને રહી ગઈ કાયા
શિયાળ ભાઈ ભણીને આવ્યાં
સૌને માટે કયામત લાવ્યાં.