માવઠું
માવઠું
બહુરૂપી વેશે વાદળ ઊડઝૂડ વરસ્યાં
જાણી વનમાં ઝાઝેરા ચાતક તરસ્યાં
બળબળતે ઉનાળે મન મૂકીને વરસ્યાં
ભર શિયાળે ભીંજાતાં કુરકુરિયાં ભસ્યાં,
એંધાણ અગમનાં બિલકુલ હેઠાં પડ્યાં
ગોર ગામનાં ગરજી જોર જોરથી રડ્યાં
શ્વેત આભમાં નીર લઈ શું ગોરંભે ચડ્યાં
વરસ્યાં વાદળ તરસ્યાં ખેડુ ખેતરે રડ્યાં,
વાદળ બિચારાં વહેલાં જઈને વરસ્યાં
અષાઢ ક્યારે બેસે ઇંતજારના તરસ્યાં
તળાવ કાંઠે મેહુલિયે મેડક કેવાં રસિયા
ડોક ફૂલાવી મોરલા મન મૂકીને હસિયા,
માણિગરને મળવા જાતા મેઘ રૂપાળા
ભોજન ભાવતાં વળી ઉતારે હતાં હૂંફાળા
ભૂલ્યાં ભાન ને ઉપરથી એ પ્રેમે તરસ્યાં
મોડાં પડતાં એ માગશરે જઈને વરસ્યાં,
પરોણા પધાર્યા કંટક સર્જ્યું કેમ કટાણે
વર્ષા ટાણે હાલ્યા'તા હઠ લઈને હટાણે
બહુરૂપી વેશે વાદળ ઊડઝુડ વરસ્યાં
જાણી વનમાં ઝાઝેરા ચાતક તરસ્યાં.
