મારી બેના
મારી બેના


બેના, તારું સ્નેહ સરોવર મેં તો આંખે જોયું છે,
વિદાય દેતા તુજને મેં તો બચપણ આખું ખોયું છે.
બાળપણમાં ઘરના ખૂણે સંતાકુકડી રમતા'તા,
મમ્મી આગળ બેસી સાથે એક થાળીમાં જમતા'તા,
બેના, તે તો પીઠી ચોળી ઘરનું આંગણ છોડ્યું છે,
બેના, તારું સ્નેહ સરોવર મેં તો આંખે જોયું છે…
દાદા સાથે ફરવા જઈને કેવી મસ્તી કરતા'તા,
દાદીમાની વાતો કેવી મનના ખૂણે ધરતા'તા,
બેના, તારી એ યાદોએ મારા મનને તોડ્યું છે,
બેના, તારું સ્નેહ સરોવર મેં તો આંખે જોયું છે…
આજેય મુને યાદ બધી છે તે કિધેલી વાતો,
મુજને આજે સાંભરતી તું જાગેલી એ રાતો,
બેના, તારી વિદાય પાછળ આંસુડાંને લોહ્યું છે,
બેના, તારું સ્નેહ સરોવર મેં તો આંખે જોયું છે…
આજ સુધી તો પળ પળ તારી હસી મજાક હું કરતો’તો,
રાખડી જ્યાં તું બાંધે ત્યારે કેવી તને કનડતો’તો,
બેના, તારી રાખડીએ આજ મારું મન નીચોવ્યું છે,
બેના, તારું સ્નેહ સરોવર મેં તો આંખે જોયું છે.