બચપણના દિવસો
બચપણના દિવસો
કિટ્ટા બુચ્ચા એ બચપણના દિવસો કેવા મજાના,
જિંદગીની એ મજાને સખી આજ ફરીને જીવીએ,
ચાલને સંતાકુકડી રમીએ !
સૂર્યકિરણ પર્ણો પર વરસતા
ઝાકળબુંદ ઝગમગ થાય
અંધકારના ઓળા પછીતે
પ્રકાશપુંજ ઝળહળ થાય
ઝગમગ થાતા ઝાકળ જેવા સોનેરી ઝળહળીએ
ચાલને સાતતાળી રમીએ !
દાદીમાની પરીકથા સાંભળીને
એ દેશમાં આપણે ફરીએ
ચકા ચકીની વાર્તા ફરી કહીને
વાતોમાં આજ વિહરીએ
પાંખ પહેરીને પરીની જેમ આકાશમાં સહુ ઊડીએ
ચાલને પાંચીકા દાવ રમીએ !
બચપણ માણ્યું ઘડપણ આવ્યું
એક દિવસ તો અહીંથી જવાનું
લઈ આવ્યા શું લઈ જવાના
આવો સહુ આમ વ્હાલ કરીએ
બચપણની દુનિયામાં જઈને ફરી બાળક બનીએ
ચાલને થપ્પો દાવ રમીએ !
કિટ્ટા બુચ્ચા એ બચપણના દિવસો કેવા મજાના,
જિંદગીની એ મજાને સખી આજ ફરી જીવીએ,
ચાલને પકડા પકડી રમીએ !
