ઉબેણ
ઉબેણ


શ્રાવણે ઉછળતી ઊંચી ને ઉફાણા મારતી ઉબેણ,
ઉઠતાં ઊંચા માથોડું મોજાં બે કાંઠે ફેલાવતી ફેણ,
ભાગોળ ભેંસાણની ભેદતી સોરઠ ભૂમિ સોંસરવી,
નીકળતી નવાબંદર મળી ભાદર બે કાને સરવી,
ભાંગતી ભેખડો કરી લીસી લપટી ને વેકૂર ભુક્કો,
ચકચકતી કરતી રેતી દઈ કાળમીંઢ પાણે મુક્કો,
કૂદતી વેગથી જાણે સાંકડી શેરીએ નીકળી જાન,
પુરતી ખેત વાડી બાગ બગીચે ફળઝાડમાં જાન,
રીસ ચડ્યે ઘસતાં ઘોડાપૂર ને વહેણ ઉતાવળાં,
તળ પથરાળ પ્રલયે ઝાડ ઝાંખરાં આડા અવળાં,
ગાંડી રહી નદી ઉબેણ નહીં પાણી કે પૂરનો નેઠો,
વહે પશ્ચિમ ભણી જ્યાં સૂરજ પણ સાંજે બેસે હેઠો,
શ્રાવણે ઉછળતી ઊંચી ને ઉફાણા મારતી ઉબેણ,
વેગે વહે એટલી કે ડૂબાડતી ઉબેણ જાણે ડૂબેણ.