તારો થવા માટે
તારો થવા માટે
હજી દે એક જન્મારો, તને ભૂલી જવા માટે,
રહ્યો તારાથી મીલો દૂર હું તારો થવા માટે,
સીવેલા હોઠ છે કે આ અનીતિને પ્રલોભન છે,
બહું સામાન્ય સમજણ જોઈએ છે બોલવા માટે,
ચડ્યો છે હાંફ દોડીને હજી ચાલ્યું જવાતે પણ,
સ્મરણ છે આપનું કાફી અમારા થાકવા માટે,
ઘણાં લોકો મને એવી રીતે બસ હાલ પૂછે છે,
અકસ્માતે ઇજા ગંભીર છે કે ? જાણવા માટે,
ઉનાળે ધૂપ શીતળતા ભરે છે છાંયડામાં જેમ,
મને દુનિયા કરે મજબૂર તમને ચાહવા માટે,
હતો અંદાજ સર્જનહારને, રાખ્યું હતું અંતર,
છલાંગો મારશે એ ચાંદ તારા તોડવા માટે,
પરિચિતો બધા લાગે છે આજે અજનબી જેવા,
ફરું છું હું નવો કોઈ કબીલો શોધવા માટે.

