શમણાં
શમણાં
પંપાળેલા શમણાં લઈને આવ્યાં'તાં શહેરમાં,
સાથે સરવાળા ઘણા, બાદબાકી પણ થોડી,
હળવે હળવે નૌકા જોડી દરિયે માંડ્યા દોડી,
ફણગાવેલી ફોરમ રુદિયે આવ્યાં'તાં શહેરમાં,
બિસ્તરા અરમાનો કેરા, એષણાની લત થોડી,
હરખી હરખી માર્યા હલેસાં ચાલી નીકળી હોડી,
શણગારેલા શ્વાસો લઈને આવ્યાં'તાં શહેરમાં,
અભરખાના અજવાળે ને કિસ્મતના સથવારે,
પલળી પલળી નિજ પ્રસ્વેદે પાઈ પાઈને જોડી,
પથરાયેલા એ ખેતર છોડી આવ્યાં'તાં શહેરમાં,
ગામ મધુરું પાદર રૂડું વળી છોડી એ જંગલ કેડી,
ઝબકી ઝબકી જાગું જ્યારે એ યાદો પ્રસરે થોડી,
ગૂંથાયેલી લાગણી છોડી આવ્યાં'તાં શહેરમાં,
સ્નેહ ભરેલી આંખલડી ને હેતભરી હળવાશો,
ટપકી ટપકી કહે આ અશ્રુ એ સાહ્યબી શાં છોડી ?
