શાકભાજીનું ગીત
શાકભાજીનું ગીત
કાકડી તો કાચી ખવાય
સલાડમાં પણ ખવાય
એણે જોઈ ગાજરનું મો મલકાય
પણ ડુંગળી છોલી ગૃહિણીની આંખ છલકાય
બટેટા તો ભળી જાય બધા શાકમાં
એ ક્યાં ફરક કરે છે અમીર અને રાંકમાં
ડુંગળી તો આંસુ લાવે સૌની આંખમાં
તોય સૌથી વધારે વપરાય શાકમાં
મરચા લાગે બહુ તીખા તમ તમતા
કોથમીર આદુ સાથે હંમેશા હોય ભમતાં
ભલેને હોય એ તીખા તમ તમતા
તોય લોકો એના વગર ના જમતા
શાકભાજીના છે અલબેલા રાજા
મજા આવે જો બટેટા હોય તાજા
રીંગણ સાથે મળી વગાડે વાજા
સૌ શાકભાજી સાથે મળી
સૌને રાખે તાજા માજા
વટાણાનો વટ પડે
ચોમાસામાં જો એ જડે
શિયાળામાં તો રોજ મળે
ઊંધિયામાં આવીને ભળે
ગુવારની લાંબી શીંગો
ઉંધિયામાં જમાવે અડિંગો
છે સૌ શાકભાજીના અલગ અલગ મિજાજ
પણ શરીરને તંદુરસ્ત રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઈલાજ
હોય જો તાજી ભાજી
સૌના હૈયાને રાખે રાજી
બાળકોને રોજ એ ખવરાવે માજી
જે ખાય એ તંદુરસ્તીની જીતી જાય બાજી
સીધા સાદા આછા લીલા દુધિયા
ગૃહિણી બનાવે એના મુઠીયા
હલવો બની ચારેકોર એ છવાયા
એને ખાઈને સૌ હરખાયા
