પ્રકાશ સ્તંભ
પ્રકાશ સ્તંભ
લાગે કદી ગુરુ સમ કઠોર ને પ્રસ્વેદ એ પ્રસરાવતો,
હૃદયથી ઘણો ચોખ્ખો છે જે છે એ જ વરતાય છે.
પિતૃ તુલ્ય સર્વ ઋતુમાં વળી ખુદ તપી ને એ તારતો,
ઉનો ભલે લાગતો ને એટલે જ ઉનાળો કહેવાય છે.
ધૂમ્ર સેર સમ ખુદ સહી ધરા હેમ સરીખી તપાવતો,
પ્રકૃતિના હૃદયે, વને - ઉપવને જીવન હૂંફ જગાવે છે.
પુલકિત ગરમાળાનો સખા સરીખો અપ્રતિમ ભાસતો,
નવપલ્લવિત કરવા ધરા વૈભવ વર્ષા પ્રવાહો આણે છે.
વને આમ્રમંજરી પ્રચુર ને વૈભવ વસંતનો બહેકાવતો,
ફાગુન કેરા રસ રંગ થકી મમ પ્રેમ પ્રવાહ નિપજાવે છે.
સંધ્યા એની તપસ્વીની સમ ક્ષિતિજે કળા પસારતી,
પુરબહાર ખીલતી સવાર નવા જીવન ગીત પ્રસરાવે છે.
વૈભવ ઘણો પણ સદા સંત સમ નમ્ર ભાવથી વહેતો,
નિર્લેપ રહી એમ પૂર્વભૂમિકા મેઘની વણતો જાય છે.
હા, ઉનાળો અભિનવ ઘણો ને ધબકાર અવની તણો,
સકળ સૃષ્ટિનો પ્રકાશ સ્તંભ હળવે હળવે આવે છે.
