પ્રિય - અપ્રિય શિક્ષક
પ્રિય - અપ્રિય શિક્ષક
અતરંગી હોય છે આ જગમાં જ્ઞાની એક શિક્ષક !
વર્ગમાં એવો ભય દેખાડે જાણે હોય કોઈ ભક્ષક !
ઊંચા સાદે પાડે બરાડા, જાણે કર્યો હોય અમે કોઈ ગુનો..
ક્યાંનો ગુસ્સો ક્યાંય પણ કાઢે, ભોંકે એમ કે કરડ્યો હોય એમને બ્રુનો !
ગણિતજ્ઞ કહે ગણિત બેસ્ટ, ને વિજ્ઞાની કહે વિજ્ઞાન...
ભાષાશાસ્ત્રી કહે ભાષા ભણો, ને સમાજશાસ્ત્રી આપે વિશેષ જ્ઞાન !
અમે બિચારા અજ્ઞાની અબુધ બાળકો, ક્યાં ક્યાં આપીએ ધ્યાન? !
અઠવાડિયે મળતી એક રજાની લેસન વગર ભોગવીએ સજા બની અજાણ !
'સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ' સુભાષિત બનાવ્યું જ ખોટું..
શિક્ષક બનાવી કુદરતે કદાચ પહેલું કાર્ય કર્યું મોટું !
પ્રાર્થના કરી વંદન કરે હર એક શિક્ષકને નમીને બાંકે...
મૂડ હોય જો એમનો ખરાબ તો સમજો આજ થ્યા' હલાલ વગર વાંકે !
ગુડમોર્નિંગ કહો તો ઈંગ્લીશ ટીચર ખુશ
સુપ્રભાત કહેવા સાથે મ્હોં મચકોડી થાય નાખુશ !
ભૂલથી જો પકડાઈ ગયાં ક્યારેક મોબાઈલ સંગ,
હાથ ગાલ પર પંજો પડતો થપાક, પ્રશ્ન પૂછી કરી દેતાં સહુને દંગ !
સર્વાંગી વિકાસ માટે બાળક બનતો ભોગ, કરો કોઈ તો ન્યાય..
ડંડો, સોટી, છડી ન વાપરે કોઈ શિક્ષક એવો કરો ઉપાય !
હર એકને ખુશ રાખવા નામુમકીન છે આ શિક્ષણ જગમાં,
ત્યાં તો વારો આવ્યો મારો શિક્ષક બનવાનો મારાં જ વર્ગમાં !
'શિક્ષક દિન' પર રૂઆબ મારી એક્ટિંગ કરીશ એમની,
સરેઆમ લઉં છું સ્કૂલમાં મિત્રો સામે ફિરકી જેમની !
ધકધક કરતું હૃદય મારું, નિઃશબ્દ બન્યો હું પળમાં,
રટ્ટો મારી આવ્યો'તો ઘરેથી, ભૂલી ગયો તત્ક્ષણમાં !
હસતાં રમતાં શીખવી'તી જે જીવનોપયોગી વાતો ત્યારે...
બેધ્યાન થઈ ખાધું'તુ મસમોટું બગાસું જ્યારે !
કોયડો પૂછી કે કવીઝ ઉકેલવા આપી શ્યામફલક પર લખતાં શીર્ષક...
ચાલીસ બાળકો સામે યાદ દેવડાવી ગ્યાં એ મારાં પ્રિય - અપ્રિય શિક્ષક !
આજ ગર્વથી કહું છું શિક્ષક બનવું નથી આસાન,
નાની આવી યાદ ત્યારે જાણ્યું, હોય છે હર એક શિક્ષક મહાન !