નવું વર્ષ ને સંબંધોની રંગોળી
નવું વર્ષ ને સંબંધોની રંગોળી
રમા એકાદશી, વાકબારસ,
ધનતેરસ, રૂપચૌદસ,
દિવાળી ને બેસતું વર્ષ;
તહેવારો ઉજવવાનો
સૌને કેટ-કેટલો હર્ષ !
તહેવારોની તૈયારીમાં
કેટલા રહ્યાં સૌ મસ્ત !
સગા-વ્હાલાં ને મિત્રો પ્યારાને
શુભેચ્છા પાઠવવામાં વ્યસ્ત,
તારું-મારું ને કજીયા-કંકાસની
થઈ ગઈ સફાઈ,
લાગણીની ચાસણી નાંખીને
પ્રેમથી બનાવી છે મીઠાઈ !
દરેક સંબંધના રંગ છોને જુદા;
પણ અવસર આવો કંઈ ચૂકાઈ ?
દરેક આંગણીયે આજ તો
રંગોળી છે રચાઈ !
નવા વર્ષના આ સૂર્યનો
ઉજાસ અનેરો,
આંગણિયે સદા રેલાય,
આપ સૌના હર્ષોલ્લાસના દીવડા
બારે માસ ઝગમગ થાય !