નિઃશબ્દ
નિઃશબ્દ
એવે પ્રવેશી રહી કો સુકુમાર બાળા,
શ્યામવર્ણી મૃગનેત્રી મધુર મુગ્ધા.
ના ભાલમાં તિલકને પરિધાન સાદા,
છાઈ હતી મુખપરે, શી વિષાદ રેખા.
બેઠા સહુ પૂજન અર્થે મળી, મળી ને,
સૌ મસ્તીમાં મલપતાં અન્યોન્ય થઈને.
પૂછે, ના પ્રેમ થકી કોઈ જ બાલિકા ને,
વૈધવ્યથી વ્યથિત કરી શાપિત જેને.
બની નિઃશબ્દ, નીરખતી ઉપેક્ષિતા,
નિશ્ચાસથી ઊભરતું નીર આજ નેત્રે.
રે, દેવ શું લખી દીધું મુજ ભાગ્ય લેખે,
ટાળે મને જન સહુ શું તું ય ટાળે?
જોતી હતી નિઃશબ્દ બની, સહેતી વ્યથાને,
દુર્ભાગી આ જીવનની નિઃશબ્દ વ્યથા કોને કહેવી?
