ધૂમ્રછબી
ધૂમ્રછબી
જાણું છું તું નથી છતાંય ભ્રમણામાં તને ભાળી લઉં છું,
વેરાય જો યાદોનાં મોતી પાંપણેથી પાછાં વાળી લઉં છું...જાણું છું...
મમ્મી પોકારતો તારો સાદ અને લંબાયેલા હાથમાં તાળી દઉં છું,
સત્તરમો તારો જન્મદિન આજે તસ્વીરમાં નિહાળી લઉં છું...જાણું છું...
શ્યામલ સલોની એ સૂરતને તારી દીવામાં અજવાળી લઉં છું,
આભાસી તારી એ ધૂમ્રછબીને પાલવમાં વીંટાળી લઉં છું...જાણું છું...
ખાલીપો ખૂંચે છે હૃદયને તો જાતેજ હવે પંપાળી લઉં છું,
તારા પિતાના દિલનું આક્રંદ હજુ પણ હું સ્મિતથી સાંભળી લઉં છું...જાણું છું...
નથી થતું કાળજું કઠણ છતાં પણ હવે મન વાળી લઉં છું,
તોયે આભાસી મૃગજળની પાછળ નાદાન થૈ દોડી જઉં છું...જાણું છું.
