ભૃણહત્યા વિરૂદ્ધ
ભૃણહત્યા વિરૂદ્ધ
જીવનની સાથે તે મૃત્યુની સાવ ઓરી છે.
બસ એક પળમાં એની કાપી જીવાદોરી છે.
શું એનો દેહ કોઈ પાપ છે કે ચોરી છે.
જન્મતા વેંત મહાનલમાં જાણે ઓરી છે.
છતાંય કેમ આ મમતાની આંખ કોરી છે?
શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ?
રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં?
બહું છે રમ્ય એની આંખ ભવ્ય ચેહરો છે.
છતાંય એનાં આ સૌંદર્યની અસર છે ક્યાં?
ક્ષણો સમયથી એણે માંડ થોડી ચોરી છે.
છતાંય કેમ આ મમતાની આંખ કોરી છે?
'ક','ખ','ગ', 'ઘ', થી લઇ 'જ્ઞ' સુધી જવાદોને.
જે મારા ભાગ્યમાં હો એવું જીવવાદોને.
લઇને સ્વપ્ન સિતારા સુધી સફર કરશું.
ધણુંય શીખવું છે મારે શીખવાદોને.
કે સ્લેટ જીંદગીની મારી સાવ કોરી છે.
છતાંય કેમ આ મમતાની આંખ કોરી છે?