વિતાવી જીંદગી છે
વિતાવી જીંદગી છે
વિતાવી જીંદગી છે એમ મેં દિલદારની સાથે,
તબીબો જે રીતે વર્તન કરે બીમારની સાથે,
કરે છે એ રીતે ઇચ્છાઓ માણસ-જાતનો પીછો,
કે કોઇ ટહેલવા નીકળ્યો હો પહેરેદારની સાથે,
તમે માણસના બદલાઈ ગયાની વાતના કરશો,
અહિં તો પ્રેમ પણ બદલાય છે વ્યવહારની સાથે,
અરે સૂરજ ઉપર એ માણસો તહોમત લગાડે છે,
હંમેશા જીવતા આવ્યા છે જે અંધારની સાથે,
કદી દિલદારની 'ના' ને હ્રદય ઉપર નહીં લેશો,
ઘણી મજબૂરિયો પણ હોય છે ઇનકારની સાથે,
ભલા 'મહેબુબ' સાથે જિંદગીમાં પ્રાપ્ત શું કરશો?
સમય નાહક બગાડો છો તમે બેકારની સાથે,
એ રમતા રમતા પોતાનું જ ઘર સળગાવશે 'મહેબુબ',
રમાડે છે જે બાળકને સદા અંગારની સાથે.
.