તે તને પછી સમજાશે
તે તને પછી સમજાશે
એક સાંજે ! ઓગળતી હતી અમિરાત,
ન રવ ! ન પગરવ, હતી એકલી નિરાંત,
તે તને પછી સમજાશે......
ઝાંઝર છૂટી ઘૂઘરી, ને પછી થ્યો સુનકાર, રણકારો તો શોધે ગગન ચડી ઝણકાર,
તે તને પછી સમજાશે......
ઓલ્યા આભલાને તો તારોડિયાનું ઘેલું આગિયાને એ બાગમાં જગમગ જડેલું,
તે તને પછી સમજાશે.......
વાદળાંનાં હતાં એ તો વરસવાના ખેલ, અહીં પાંપણની પાછળ ઢોળાણી'તી હેલ,
તે તને પછી સમજાશે.
વળ ખાતી'તી લટ, ને આંગળીનો શું વટ્ દર્પણ કરતું બારીમાંથી નજરું ઉપરવટ,
તે તને પછી સમજાશે.....
કલરવ ને કેકારવ કરતાં મોરપંખના મેળ, થનગનતા પગલાના એવા રહ્યા મનમેળ,
તે તને પછી સમજાશે......
રસ્તે ખાલી બાંકડો, નવરો થઈ પરવારી, રહી હવે ઠાલી શમણે સ્મરણો પથારી !
તે તને પછી સમજાશે.
