..ને !
..ને !
પડે જ્યાં નજર આક્રંદ જ વરતાઈ રહ્યું,
આ આંખ જરા પડે કોરી, તો એ ફરકે ને !
આ પાંપણો થાય ભીની જરા હપ્તે હપ્તે,
આંસુનો દરિયો જો વધ્યો હોય તો છલકે ને !
રૂદનની વેળા પોરો ખાય તો હોઠ મલકે,
મોત કેરી રાત વિતે તો જિંદગી ખણકે ને !
જીવન જો થોડું છે ખબર જો આવી મળે,
થોડામાં જ છે જીવવાનું ઘણું, ઝળકે ને !
આ લલાટે શું તકદીર કોતરી છે પ્રભુએ,
ભાખનારો જો હોય આ જગે તો ફરકે ને !
દુનિયામાં આવીને અહીં ભોંઠો પડ્યો છું,
ભોમિયો કોઈ તો હશે, અંધારે મને અડકે ને !
કારી આફતે મૂંઝાતો ક્યાં જઈ શાતા પામે,
મળે જો મારગ એને, તો ભટકવું અટકે ને !
ચકળ વકળ શોધું જેને કહેતા સૌ કિરતાર,
અલોપ થઈ શીદ રહેતો, કોક દિ તો દીસે ને !
કોઈ કહે હર તનમાં ને વસતો ઘટ ઘટમાં,
હોમાતાં આ જીવન જોઈ હવે તો પ્રકટે ને !
પડે જ્યાં નજર આક્રંદ જ વરતાઈ રહ્યું,
આ આંખ જરા પડે કોરી, તો એ ફરકે ને !
