મા નો પાલવ
મા નો પાલવ


મારું ખલક એ મારી મા નો ખોળો
એનાં સાડલાં નો પાલવ ખૂબ પોહ્ળો,
કોમળ હાથે દરેક કોળ્યો જમાડ્યો,
પાલવ ના છેડેથી લૂછ્યા મારા એઠાં મોં...
એ પાલવ ખૂબ પોહ્ળો...
એ જ હાથે કઠોર થઈ માર્યા થપ્પડો,
પાલવ ના છેડેથી એણે ભૂસ્યા અશ્રુઓ...
એ પાલવ ખૂબ પોહ્ળો...
એની લાલ-લીલી બાંધણી સાડી નો,
પાલવ ના છેડાં થી હું બાળપણમાં રમતો...
એ પાલવ ખૂબ પોહ્ળો...
જ્યારે જતાં અંધારાં માં હું ડરતો,
પાલવ નો છેડો મારી હિમ્મત નો સહારો...
એ પાલવ ખૂબ પોહ્ળો...
એ પાલવ મારી નિરાશા નો કિનારો,
પાલવ એ આભ મારું ને હું ધ્રુવ નો તારો...
એ પાલવ ખૂબ પોહ્ળો...
કદી થાવ નિરાશ, કદી ખીજ ઉતરો,
પાલવ તોય સદા દેતો મને મીઠો આવકારો...
એ પાલવ ખૂબ પોહ્ળો...
પે'લાં કહેતાં બા, હવે મમ્મી બોલા
વો,
પાલવ ના પ્રેમ તોય ક્યારેય નથી બદલાયો...
એ પાલવ ખૂબ પોહ્ળો...
પહેરે જીન્સ, ડ્રેસ કે ઓઢે સાડલો,
પાલવ કે ખોળો, પ્રેમ માં ફેર કદી વરતાણો ?
એ પાલવ ખૂબ પોહ્ળો...
કો' તકલીફ માં હો ને "મા" ને પોકારો,
પાલવ ફેલાવી મા માંગે સંતાનના દુઃખો નિવારો...
એ પાલવ ખૂબ પોહ્ળો...
લખું સદાકાળ ગુણો, તોય ન આવે આરો,
પાલવ નો પ્રેમ કાજે નિરાકાર સાકાર થઈ જનમ્યો...
એ પાલવ ખૂબ પોહ્ળો...
જેના ખોળા માં રમે સૃષ્ટિ નો રચનારો,
પાલવ ને કોણ વર્ણી શકે ? ભલે હો શબ્દ સાધનારો...
એ પાલવ ખૂબ પોહ્ળો...
અનંત છે મા મુજ પર તારા ઉપકારો,
કહે "બંદગી" કર જોડી, થાઉં સર્વ અવતારે શિશુ તારો...
હું બાળ, તારી બાંધણી સાડી ના પાલવ નો ખેલનારો...
એ પાલવ ખૂબ પોહ્ળો...
- તીર્થભાઈ સોની "બંદગી"
રાજકોટ