નાની મુન્ની
નાની મુન્ની
નાની મુન્ની રમતી'તી,
રમતી'તી ભાઇ રમતી'તી,
રમતા રમતા રડી પડી,
રિસાઈ ને ખૂણામાં ઉભી'તી,
મૂળાભાઇ આવે રે,
પોતાની સેના લાવે રે,
ખેલ નવા કરીને,
કસરત ના દાવ બતાવે રે,
એક બે ત્રણ ચાર,
થઇ જાઓ હોંશિયાર,
તો પણ મુન્ની રડતી'તી,
રડતી'તી ભાઇ રડતી'તી,
મેથીમાસી આવે રે,
ખૂબ લાડ લડાવે રે,
લાડુ ચૉકલેટ આપીને,
એને ખૂબ સમજાવે રે,
મુન્ની બેટી ડાહી,
એ તો સૌ ની લાડકી,
તો પણ મુન્ની રડતી'તી,
રડતી'તી ભાઇ રડતી'તી,
તાંદળજો આવે રે,
પાલક ને પણ લાવે રે,
બન્ને ભાઇઓ મુન્ની ને,
વાર્તાઓ સંભળાવે રે,
અંધેર નગરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી,
ટકે શેર ખાજા
તો પણ મુન્ની રડતી'તી,
રડતી'તી ભાઇ રડતી'તી
કોથમીર એની સખી છે,
ક્યારની જોતી બેઠી રે,
દોડતી આવી મુન્ની ને,
ગલીપચી ઓ કરી રે,
હા હા હા હા, હા હા હા
નાની મુન્ની હસતી' તી,
કોથમીર સાથે હસતી'તી,
હસતા હસતા રમતી'તી,
લીલી ભાજી સાથે હસતી'તી,
નાની મુન્ની રમતી'તી,
રમતી'તી ભાઇ રમતી'તી,
રમતા રમતા હસતી' તી,
હસતી' તી ભાઇ હસતી' તી.
