ડિજિટલ યુગનો કાનુડો
ડિજિટલ યુગનો કાનુડો


ફરિયાદો સાંભળીને થાક્યો છું હું હવે
મારે પણ ઘણી ફરિયાદ રે...
હું એકવીસમી સદીનો કાનુડો
મને બોલાવો રે...
પાંચ વાગ્યામાં વાગે ચાંદીની ઘંટડી
મને ઉઠાડે વૈષ્ણવ માત રે...
મારે પણ કહેવું છે 'ગુડ મોર્નિંગ'
જ્યારે ઘડિયાળમાં વાગે બાર રે...
કેસર ઘોળી ઘોળીને મને કરી નાંખ્યો કેસરી
હવે લગાવો ફૅશવોશની કતાર રે...
પહેરીને થાકયો છું જરીયલ જામા
મને ડિઝાઈનરનો લાગ્યો નાદ રે...
મીસરી ને માખણ ક્યાં સુધી ખાવા ?
ખાવા છે મારે બ્રેડ- જામ રે...
રસોડેથી આવે છે ભાત ભાતની સુગંધ,
કેમ આરોગવાના દાળભાત રે...
નુડલ, પાસ્તા, બર્ગર ને ફ્રેન્કી,
મારે ખાવા વિધ વિધ ફરસાણ રે...
કડક કડક પેલા ઠોર ખાઈ ખાઈને,
દુ:ખી ગયા છે મારા દાંત રે...
ખાવો છે મારે બોક્સવાળો રોટલો,
જે ખાવાથી છૂટે મજાની લાળ રે...
રાતના ઊડાવે આઈસ્ક્રીમની જયાફત,
મને ધરાવે તુલસીનું પાન રે...
એક્ઝામ સમયે લળી લળીને
સૌ લાગતા મારે પાય રે...
પતે એક્ઝામ એટલે વિદેશ ભાગે,
મને પધરાવી બીજે નિવાસ રે...
મારે પણ ફરવું યુકે ને યુએસ,
જુનો લાગે છે જમનાઘાટ રે...
ક્રિકેટના બૅટ બૉલ લાવોને વૈષ્ણવ,
નથી રમવી હવે ચોપાટ રે...
ઝુમબા ને સાલસા મારે પણ શીખવા,
કેમ રમ્યા રાખું હું રાસ રે...
બાળક સમજીને ઘરમાં ઘાલી રાખે,
લગાવી દે સાવ લગામ રે..
વાંસળીથી નથી ભોળવાતી ગોપીઓ,
શીખવી પડશે હવે ગીટાર રે...
ગદા ને ચક્ર ઘસાઈ ગયા છે સાવ,
શીખવું છે મારે માર્શલ આર્ટ રે...
કથા- કવિતામાં ઘણો ગાજ્યો આજસુધી,
ગજાવવા પડશે સેમીનાર રે...
યુધ્ધભુમિમાં દોડાવ્યા ઘોડા ઘણા,
ચલાવવી પડશે મોટર કાર રે...
શૅકહેન્ડ કરે નહીં કોઈ મારી સાથે,
કરતા બસ પ્રણામ રે...
ઓળખ આપવા મારે, મારી લોકોને,
છપાવવા છે વીઝીટીંગ કાર્ડ રે...
કશું શીખવાડે નહીં, મોટો થવા દે નહીં,
રાખશે સાવ મને પછાત રે...
પ્રાણથી પણ પ્યારો છે લાલો એમ કહી,
કરતા સાવ જ પક્ષપાત રે.