વડલે બેઠો મોરલીયો આજ વરસાદી
વડલે બેઠો મોરલીયો આજ વરસાદી
વડલે બેઠો મોરલીયો આજ વરસાદી,
વાછટમાં કાંઈ ટહુકાભીનું ડોલે...
હાલને એલી!ગામને પાદર ચાર દિશાએ,
વનમાં ઘૂમી ધીમું ધીમું હોલે હોલે...
ઓરડે ધીમું અજવાળુંને
ડેલિયે શમણાં છમ્મ !
મેઘલી રાતે અંધારાથી
દીવડાઓ ધમધમ !!
કિચૂડ કિચૂડ ઝાંપલિયુંના રવમાં
ડૂબે મનડું પછી ચડતું અરધા ઝોલે...
ફૂલડે ઊગે નામ નવેલું
શેરીયે પગલાં - છાપ
ભરચક ભીની લાગણિયુંથી
ઊઘડે આપો આપ
બાર ચપોચપ ઉઘડી જાતાં મેઘધનુના
રંગ નિહાળી શ્યામલ હૈયું ખોલે...