દરિયો
દરિયો


આજે મને ખ્યાલ આવ્યો, દરિયો મને કેમ ગમે છે?
કદાચ મારી અંદર જ એક દરિયો સતત ઘુઘવે છે,
હવે તો હું એના ઉછળતા મોજાંનો અવાજ પણ સાંભળું છું,
તેમા આવતા ભરતી ઓટ તથા તોફાન પણ અનુભવું છું.
મારી અંદર ક્યો દરિયો વહેતો હશે? શું નામ હશે એનું?
હિંદ, પેસિફીક, કે પછી...? કદાચ "લાગણી" તો નહીં?
કેવા પ્રચંડ વેગ સાથે એ વહ્યા કરે છે?
એના ધસમસતા પ્રવાહમાં હું તણાયા કરું છું.
એના વહેણમાં ડુબકા ખાઉં છું, ક્યારેક ડુબું પણ છું,
કેવી હિંમતથી એના તોફાનોમાં એકલી ઝઝૂમું છું,
જ્યાં લઈ જાય છે તેના મોજાં, જઉં છું હું,
>
ક્યાં જઉં છું, મને જ નથી ખબર મારી મંઝિલ.
સતત વહ્યા કરે છે અને ખળભળ્યા કરે છે એ દરિયો,
મને સ્થિર નથી રહેવા દેતો મારી અંદરનો એ દરિયો,
કોણ જાણે ક્યારે શાંત થશે આ તોફાની દરિયો,
થાકી ગઈ છું એની સાથે વહીને હવે તો હું પણ.
લાગે છે કદાચ હું મારા પગ ગુમાવી બેઠી છું કદાચ,
એ સ્થાને પણ પાણીના મોજાં આવી ગયા છે,
હવે મને હું પણ એમા ઓગળતી દેખાઇ રહી છુ,
એક સમય આવશે જ્યારે હું કશે પણ નહીં હોઉ.
ચારે બાજુ છવાઇ ગયો હશે દરિયો,
માત્ર અને માત્ર દરિયો,
વહ્યા કરતો હશે,
માત્ર દરિયો....