છે તો સમંદર બન્ને !
છે તો સમંદર બન્ને !
ઘૂઘવે એક ભીતર, ને બીજો આ ધરા પર,
છે તો સમંદર બન્ને.
શોર મચાવ્યો છે એણે વળી આ પણ,
છે તો સમંદર બન્ને !
બેઠો હું વિચારું એના ને વળી અહી મનના ય કિનારે,
એક સમજે મુજને ને બીજો સમજાવી રહ્યો.
છે તો સમંદર બન્ને !
ધરા પર વર્તવું ને વહેવું નિજાનંદે સ્મરણે પ્રભુના,
કહે છે માંહ્યલો, ને આ કહે સમાવો સઘળું મંહી.
છે તો સમંદર બન્ને !
હા છે એ માશુકાની આંખો, ને દર્દ આ દુનિયાનું પણ,
ડૂબી જાઉં એમાં અમસ્તો ને દુઃખમાં ય રહું ગરકાવ.
છે તો સમંદર બન્ને!
આ માથે ચડાવી તરાવતો ને આ ક્ષણ ભંગુર સુખ પણ,
હલેસાં તો મારવાં મારે જ રહ્યાં હોડીએ કે આ સફરે.
છે તો સમંદર બન્ને !
બાથ ભીડી લઉં કદી છલાંગે વીણવા મોતીડાં બન્નેમાં,
હંફાવશે નકકી, નહિ આપે એ સરળતાથી નવનીત,
છે તો સમંદર બન્ને !
આંજીને સ્વપ્ન જીવતો રહું કે જીવી જાઉં ખુદ એને,
એ આંખમાં કે આંખ થકી જ દેખાતો રહેશે અહીં,
છે તો સમંદર બન્ને !
કેટલાય ઝખ્મો પંપાળું છું ને હજુ વાટમાં ઘણા ઊભા,
સહી જાઉં આ હૃદે વળી ક્રોધ કેરો ઉભરો પણ વહે,
છે તો સમંદર બન્ને !
આખરે તો આ જ સઘળું સમાવવું રહ્યું ઉરમાં અન્યથા,
મોજા વહી આવતાં ભલે કે પછી વહેતી રહે નિત વ્યથા,
છે તો સમંદર બન્ને !
ગોરંભાયા છે નભમાં એ વાદળ ને મનમાં ઘણા વિચાર,
એમાં પણ થયો છે એકઠો આતુર મેઘ અને મનભાર,
છે તો સમંદર બન્ને !
ઘૂઘવે એક ભીતર, ને બીજો આ ધરા પર,
છે તો સમંદર બન્ને.
શોર મચાવ્યો છે એણે વળી આ પણ,
છે તો સમંદર બન્ને !