ફુગ્ગો
ફુગ્ગો
ફુગ્ગો ફૂલ્યો ફૂલ્યો ને કાંઇ ફૂટ્યો,
ફુગ્ગો ફૂલ્યો ફૂલ્યો ને કાંઇ ફૂટ્યો... ફુગ્ગો ફૂલ્યો ફૂલ્યો ને કાંઇ ફૂટ્યો,
હવા ને હવાની વચ્ચેનો પાતળિયો પરદો પળ બે પળમાં કાંઇ તૂટ્યો.
ફુગ્ગો ફૂલ્યો ફૂલ્યો ને કાંઇ ફૂટ્યો...
ફુગ્ગાએ દાખવેલી વિશાળતાનો થૈ ગયો કરુણ રકાસ,
ફુગ્ગામાં પછી રહ્યું નહીં બાકી ફુગ્ગા જેવું કાંઇ ખાસ.
ફુગ્ગામાં પધારેલી હવાનાં પ્રમાણમાં ફુગ્ગો કદમાં કાંઇ ખૂટ્યો,
ફુગ્ગો ફૂલ્યો ફૂલ્યો ને કાંઇ ફૂટ્યો.
ફૂટતાંની વારમાં જ ફુગ્ગાજીને થૈ ગયું પ્રાપ્ત જ્ઞાન,
ખોટી હતી બધી સાયબી ને ખોટાં હતાં માનપાન.
ફૂલી ફૂલીને ફાળકો થવાના સ્વભાવથી ફુગ્ગો ક્ષણમાં કાંઇ છૂટ્યો,
ફુગ્ગો ફૂલ્યો ફૂલ્યો ને કાંઇ ફૂટ્યો.