સૈયર હવે...
સૈયર હવે...


મારે હૈયે વરતાય ઝીણો ઝીણો કલશોર,
સૈયર, હવે બોલે છે કમખામાં ટાંકેલા મોર.
વિરહના વૈશાખી વાયરાઓ વાયા,
મારી થરકતી ભીતરથી આઘેરી કાયા;
વાલમીયો વરહથી બેઠો પરદેશ,
મુને લાગી છે મળવાની ઝાઝેરી માયા.
કે દિ આવશે છબીલો એ ચિતડાનો ચોર
સૈયર, હવે બોલે છે કમખામાં ટાંકેલા મોર
જોબનિયું આજે આવ્યું ને કાલ જાશે,
ને ઓરતા મનનાં, મનમાં રહી જાશે;
વાલમની વાટ્યું જોતાં રે જોતાં,
કેમ હવે વિજોગી વેળા જીરવાશે?
હવે ચાલે ના ફાટ ફાટ હૈયાં પર જોર,
સૈયર, હવે બોલે છે કમખામાં ટાંકેલા મોર.
આંગણે અથડાતું આળોટે એકાંત,
મુને ભાસે છે સૂમસામ શેરીને ઝાંપો;
એકલતા ઓઢીને રહું અળગી અળગી,
મારે કેમ કરી વેઠવો ઝૂરાપો?
તરસું હું એમ, જેમ ચાંદાને તરસે ચકોર,
સૈયર, હવે બોલે છે કમખામાં ટાંકેલા મોર.