શ્રાવણિયો ઝરમર વરસે... ગીત
શ્રાવણિયો ઝરમર વરસે... ગીત
શ્રાવણિયો ઝરમર ઝરમર વરસે સખી રે,
મારું હૈયું પિયુજીને તરસે,
સખી શ્રાવણિયો ઝરમર ઝરમર વરસે.
ઘનઘોર વાદળ ઘેરાયા ઊંચે આભ રે,
ઘડી ઘડી મારો પિયુજી મને સાંભરે;
બેઠો જઈ દૂર દૂર દરિયાને દેશ,
કૂણ લાવીને આપે આંય મુજને સંદેશ.
કે'દિ આવશે અલબેલો, અધીરો બની,
મારી વિરહની વેદનાને હરશે,
સખી શ્રાવણિયો ઝરમર ઝરમર વરસે.
કોરી કોરી ઝંખનાઓ જાગી જોબનમાં
ને ચોમાસું બેઠું ચોધારે;
તરસું વાલમજીના લથબથતા વ્હાલને
હવે ભીંજાવું કેમ કરી મારે?
લાગણીનો લખલૂટ દરિયો થઈ આવશે,
ને આવીને બાથમાં ઊભરશે,
સખી શ્રાવણિયો ઝરમર ઝરમર વરસે.
અષાઢી ઓરતાઓ ઉર મહીં ઓસર્યા.
શ્રાવણિયો સાથ લઈ જો આવે;
ઝૂરી ઝૂરી મરતી હું ઝરમરતી રાત સંગ
હવે કેમ કરી એકલાં તે ફાવે?
વિજોગી વેળાની વેરણ એ રાતડીની,
મીઠી મીઠી વાતોએ મન મારું હરશે,
સખી શ્રાવણિયો ઝરમર ઝરમર વરસે.