હું આપના સંગાથમાં અમથા યે
હું આપના સંગાથમાં અમથા યે
હું આપના સંગાથમાં અમથા યે વારી જાઉં છું,
જ્યારે નથી તવ એષણા હું ઝાંઝવા પી જાઉં છું.
આ આગિયાની આંખમાં ઝળહળ થતો તું છે રવિ,
ને હું રવિની આંખથી તડકો ઉતારી જાઉં છું.
વૈશાખમાં ગુલમહોરના ફૂલો બહુ સોહાય છે,
ત્યારે તમારી લટ મહી ચંપો લગાડી જાઉં છું.
તું છે ઊછળતી આ નદી ને હું સરોવર પ્રેમનું,
તું જેહને મળતી તે દરિયાથી હું હારી જાઉં છું.
હું પ્રેમના આનંદમાં ખૂદને ‘નજાકત’ જોઉ છું,
ને તું નહીં મળશે છતાં ખુદને ઉગારી જાઉં છું.