લખું છું
લખું છું
અનુભવના મારા ચિતારે લખું છું,
વિચારું છું રાતે, સવારે લખું છું,
હકીકતમાં ડૂબ્યો હતો હું વચોવચ્ચ,
હવે મૃગજળોના કિનારે લખું છું,
હશે સત્ય કડવું મને એ ખબર છે,
અને એટલે એ વધારે લખું છું,
સળગું કબરમાં ચિતામાં દફન છું,
હળવાશથી વાત ભારે લખું છું,
પરિચય બધાને હું મારો શું આપું ?
ગઝલ હું હવે છાશવારે લખું છું,
ઉતાવળ નથી ને અભરખાં છે ઓછા,
વિચારે ચડું છું હું ત્યારે લખું છું,
નથી ફાવતું ક્યાંય લેવાનું ટેકો,
બધું "સ્તબ્ધ" મારા સહારે લખું છું.