કેવી રીતે કવિતાનું નામ પડે
કેવી રીતે કવિતાનું નામ પડે
અમથું અમથું મનડું ટહેલવા નિકળે ને,
વગર પાંખે એ આભને આંબે,
વન ઉપવનમાં ભમે ને,
ડાળ હિંડોળે ઝૂલે,
પાછું, સાગરને સરીતા માંહી,
ડૂબકી લગાવી ને,
પહાડોની પ્રદક્ષિણા કરે,
જીવનનાં ખાટ્ટા મીઠાં સ્વાદને માણતું,
ઘડીકમાં, અતિતમાં સરી પડે ને,
ઘડીકમાં ભવિષ્યમાં વિહરે,
ટહેલતાં ટહેલતાં મનડામાં,
એક એક શબ્દ ભેળો થઈ
કલ્પનાનું ઝરણું વહે,
એ ઝરણાંમાંથી,,
કો'ક વેદનાસભર, આશ્ચર્યજનક,
તો કોઈ આનંદ મિશ્રિત કે ઠઠ્ઠામશ્કરીનાં,
એવાં અવનવાં ઘાટ ઘડે,
ઘાટ ઘડીને
એને કલમમાં ઝબોળી,
કાગળિયે કંડારે,
જેનું નામ કવિતા પડે.
