બચપણનો બટવો
બચપણનો બટવો
બટવો ખોવાણો
બચપણનો મારો
બટવો ખોવાણો
એમાં સાચવીને રાખ્યાં હતાં,
એકડો - બગડો ને કક્કો બારાખડી.
ઘૂંટી ઘૂંટી લખતાં હતાં
એને પાટીએ જડી ને
સતોડીયું ને સાપસીડી
ગીલ્લી દંડા ને સંતાકૂકડી
ડાળ નો હીંડોળો ને
'પાંદ'ની પીપૂડી.
ખો ખો અને શાહીનો ખડીયો,
શોધી શોધી થાકી
હજી નવ જડીયો..
મારાં બચપણનો બટવો,
બચપણનો બટવો
ચાંદામામા ને સૂરજદાદાની,
કાન દઈ સાંભળતાં હતાં,
'દાદીમા'ની એ વાર્તા.
કૂતુહલે નિહાળતાં હતાં,
તારલિયાં ખરતાં !
બંગડીનાં કાચ ને કૂકા - કોડી,
ખાબોચીયે તરતી એ
કાગળની હોડી
અડકો દડકો ને વાટેલી મેંદી,
ખુણે ખુણે એને હું તો,
થાકી ખુંદી ખુંદી
બાકસ બપોરીયા ને
નાગની ગોળી,
સળગાવતાં હતાં
સઘળી એ ભેળી
મારાં બટવા ની કોને
હોય જો ભાળ
મને જાણ કરાવજો
મને ભાળ કરાવજો
મારી ભેળો ભણતો
મારો ભેરું ખોવાણો
એ મહામૂલો
મારો બટવો ખોવાણો
'બચપણ'નો
મારો બટવો ખોવાણો
બટવો ખોવાણો
