મેહુલિયાનો જનમદિવસ
મેહુલિયાનો જનમદિવસ
અહાહાહા ! અષાઢિયો આવ્યો,
મનગમતાં મારાં મેહુલિયાનો
જનમદિવસ લાવ્યો.
એનાં સગાંવ્હાલાં સહુંને આમંત્રણ અપાઈ ગયાં, હોંશે હોંશે સહું અવસરીયે આવી ગયાં.
છમછમ કરતાં છત્રીબેન રંગબેરંગી કપડે મઢાઈ ગયાં,
દોરીયું કેરા બેલ્ટ બાંધી તાડપત્રી બેન, લારીમાં બેસી આવી ગયાં.
રઘવાયાં થઈ રેઈનકોટ કાકા
બાહીમાં પટ્ટી ચોડાવા ડૉ.દરજી
પાસે પહોચી ગયાં,
ડબડબ ડોળા કાઢતાં દેડકીયા ધ્વારે આવી ગયાં,
સગડીની સવારી કરી મકાઈ ડોડા આવી ગયાં,
ગજાણ ભાઈ ઢોલ વગાડતાં ધુમધડાકે આવી ગયાં,
કોયલડી ને મોરલો, નાચ ગાન કરતાં આવી ગયાં,
નાના મોટા સહુનાં વ્હાલા ભજીયા ભાઈ ઘરે ઘરે છવાઈ ગયાં.
પટર પટર કરતાં વરસાદી ચંપલ-બૂટ હરખાતે હૈડે આવી ગયાં,
કાગળ કેરી હોડી તારવાં ખાબોચીયાં ખળખળી ઉઠ્યાં.
રંગ પછેડી પાથરતાં, મેઘામામા પણ પધાર્યા,
લીલેરી જાજમની સાડી ઓઢી 'માઁ અવની' ઓપી ઉઠ્યાં.
નળિયા માથે લસરપટ્ટી કરતાં નેવાથી નીર ઝણકાર્યા.
આવાં રૂડા અવસરીયાનાં ફોટા પાડવાં વીજળીબેન આવી ગયાં,
સૂરજદાદા થોડાક દહાડા સોડ તાણીને સૂઈ ગયાં,
આવડો ઉમંગ નિહાળી અમારી હૃદય કેરી રેકડીમાં હરખનાં રંગરોગાન થઈ ગયાં.
