પિતા...ઘેઘૂર વડલો
પિતા...ઘેઘૂર વડલો
પિતાની ગંજીમાં પડેલા કાણાં, જે છે,
એના સંતાનની વિધવિધ ખુશીનાં બારણાં,
દેખાતો હોય ભલે એ જાણે મહાસાગર ખારો,
છતાંય, હોય નહિ એનાં હેતનો ક્યાંય આરો,
જીવનની કટુતાથી એ હંમેશાં બળતો રહેતો છતાંય,
બની વટવૃક્ષ નિજ પરિવારનો એ છાંયો રુડો કરતો,
મોંઘીદાટ ભલે ભેટ ન લઈ દઈ શકતો પરંતુ,
મનગમતું લઈ દે એવી કોશિશ સદાય એ કરતો,
ભરવા પરિવારનાં પેટ,રાત દિવસ વેઠ એ કરતો,
ઘરમાં કરી સુખ સુવિધાને પોતે પૂરી ન માણતો,
મને નહિ જોઈએ, ચાલશે એવું જ એ કહેતો,
કરતો ભલે એ અપાર ગુસ્સો,
હોય એ પણ એની લાગણીનો જ એક હિસ્સો,
વળી, પકડી આંગળી નિજ છોરુંને પા પા પગલી કરાવતો,
બની ઘોડો પીઠ પર એને બેસાડતો,
એનાં,, બાળપણનાં ફોટા પાડી હરખઘેલો થતો,
વળી વળીને ફોટા જોતો, કદી ન ધરાતો,
થાય એ છોરુને કાંઈ, બેબાકળો બની જાતો,
નિજ સંતાનની પ્રગતિ નિહાળી,
એના હૈયે હરખ ન માતો,
એ પોરસાતો ન સમાતો,
ભૂલ કરે છોરુ તો એનો સલાહકાર એ થાતો,
દુનિયાદારીને સંભાળતાં,છોરુ કદી મુંઝાતો,
બની છોરુનો ભેરું, એની પડખે ઊભો રહેતો,
એનો ખભો મિલાવી ચાલતો,
વળી, કહ્યું ન માને કોઈ તો,
મોભી થઈને લાલ આંખ પણ કરતો,
આવે કોઈ સંકટ એની કળ ન પડવા દેતો,
એવું ચિંતારુપી ઝેર એતો એકલો એકલો જ પીતો,
મુખેથી એ હસતો, ને હદયથી રડી લેતો,
આવે આંસુડાં એને હૈડે જ બંદી બનાવી લેતો,
આંખડી છલકવા ન દેતો,
પરીવારનો એ પડછંદ પાયો,
સદાય મક્કમ થઈને રહેતો,
મા બાપના ઉપકારના સરવૈયામાં
અર્ધાંગિનીને મોખરે કરતો,
બની પહાડ, થઈ વટવૃક્ષ,,
સાથે એની અડીખમ ઉભો રહેતો,
પરંતુ, જીવનની એ ડગરમાં,
કર્મનાં લેખાંજોખાંમાં,
નિજથી કોઈ ભુલ થઈ જાય !
કાંટાળી કેડીમાં પગ ક્યાંક લપસી જાય !
એવો અપરાધ થઈ જાય !
નિજ ને માફ કદી ન એ કરતો,
હદયથી રાત દિન એ રડતો,
એવાં પિતાનો જીવન લીસોટો ભૂંસાઈ જાય !
એની પહેલાં, એ વડલાંનાં છાંયડે વિસામો ખાઈ લેજો,
ને વળતરમાં એની એમને પણ,
હેતની હુંફ દેવાનું ન વિસરજો,
હે પ્રભુ ! દરેક પરિવાર માથે રાખજે સદાય,
એ પિતા રુપી ઓછાયો પિતા રુપી ઓછાયો.
