આંગણામાં મધમધતી જુહી
આંગણામાં મધમધતી જુહી


આંગણામાં મધમધતી જુહીની કળી,
સીંચી એને આપી જીગરના અમી.
સ્નેહથી સંસ્કારોનું વાવેતર કર્યુ,
કલશોરથી રહેતુ ઘર ભર્યુ ભર્યુ,
તેની ઝાંઝરનો મીઠો રણકાર,
ખુલ્લા હાસ્યનો મઘમઘતો પમરાટ.
ઝીંણી ઝીંણી કાળજી ને લાંબી લાંબી વાતો,
એકજ ઢોલણિયે ને એક જ ઓશિકે.
વાત્યુ કરતા વિતેલી રાતો,
ઘડીકમાં રિસાવું ને ઘડીકમાં માની જવું,
ઘડીકમાં ગળામાં બાહોં નાખી ઝુલી જવું.
બહુ ભુખ લાગી છે નો દાદર પરનો અવાજ,
નાની નાની કચકચ ને મીઠો મીઠો વ્હાલ.
હવેં, હવેં આ બધુ ખાલી યાદોમાં રહી જશે,
પ્રીતનું પાનેતર પહેરી દીકરી ચાલી જશે.
સુરજને ઘેર જો દીકરીનો માંડવો બંધાય,
તો તેને ખબર પડે કે અંધારૂ શું કહેવાય.