જનની
જનની


નિરાળી ભાસે છે, તવ હૃદયમાં, પ્રેમ સરિતા,
સવારે ઉઠીને, અમ ઉદરમાં, અન્ન ભરિતા.
પછી વેલે ટાણે, નવલ જળથી, સ્નાન કરિતા,
વળી પોતે ભૂખે, જઠર બળથી, બોજ વહિતા.
બપોરે બોલીને, કંઠસ્થ કરિને, પાઠ ભણિતા,
ઢળે રોંઢો જેવો, ઘર કરમને, પૂર્ણ સજિતા.
નિરાંતે ઓઢીને, સપન સજવા, કાન ધરિને,
સુવાડી સંતાનો, અલક મલકે, વાત સુણિને.
ગણી જાજુ પોતે, ભણતર ભલે, સાવ ઘટતું,
અમોને જ્ઞાનેથી, અનુભવ વતી, ઘાટ ઘડતા.
નિરાળી ભાસે છે, તવ હૃદયમાં, પ્રેમ સરિતા,
મહા મૂર્તિ પ્રેમે, જગત જનની, માત મધુરી.