હવે જીદ મુકોને શ્યામ
હવે જીદ મુકોને શ્યામ


સાંજ ઢળી છે વનરાવનમાં, સહુ ફૂલ કરે આરામ,
હવે જીદ મુકો ને શ્યામ,
ગોકુળ ગામે ઝાલર વાગે, કોઈ દેશે અમારું નામ,
હવે જીદ મુકો ને શ્યામ.
છાનું છાનું મળતા રહીને મનમાં પાછું ડરવાનું,
ગોકુળ આખું વાત કરે એ ડગલું કેમનું ભરવાનું?
તોય આવી છાની છપની અમે ગોપીઓ તમામ,
હવે જીદ મુકો ને શ્યામ…
સાંજ ઢળી છે...
નટખટ તારી વાતોમાં અમને મળતી બહુ મોજ,
તું સ્મિત ઝુલાવે અધરો પર એ દેખવું રોજે-રોજ,
પણ, હવે તો મનને પાછી દેવી પડશે લગામ,
હવે જીદ મુકો ને શ્યામ…
સાંજ ઢળી છે...
વાંસલડીને હોઠ અડકાડી કેવા જાદૂ ભરતો !
વનવગડામાં ગીત છેડીને વૃંદાવન તું કરતો,
કામણગારા સૂર રેલાવી તું શીદ બોલાવે આમ ?
હવે જીદ મુકો ને શ્યામ…
સાંજ ઢળી છે...