ગીત
ગીત
જનનીના એ હાલરડે રચ્યું હશે એ ગીત,
મમતાના એ મારગડે પ્રગટ્યું હશે એ ગીત.
પ્રાર્થનાના મેદાનમાં લલકાર્યું હશે એ ગીત,
બચપણે બાળગીતોમાં ગવાયું હશે એ ગીત.
કોયલના આમ્ર કુંજનમાં ટહુક્યુ હશે એ ગીત,
મયૂરના મોરપીંછ થૈકારમાં નાચ્યુ હશે એ ગીત.
પહાડે વહેતા ઝરણાએ માણ્યું હશે એ ગીત,
નદીએ કલકલ વહેતા જાણ્યું હશે એ ગીત.
શ્ર્વાસની સિતારે જાણે વહ્યું હશે એ ગીત,
મહેફિલની વચ્ચે ક્યાંક ગાજ્યુ હશે એ ગીત.
વાંસળીના સૂરે મધુર વાગ્યું હશે એ ગીત,
રાધાના ઝાંઝરમાં કાઈ રણક્યું હશે એ ગીત.
શબ્દે શબ્દે અંતરમાં વસ્યું હશે એ ગીત,
કવિતાના છંદમાં જાણે હસ્યુ હશે એ ગીત.
