આવજે તું
આવજે તું
મારા ગયા પહેલાં એકવાર હરિ આવજે તું.
દેહ પડ્યા પહેલાં એકવાર હરિ આવજે તું.
નથી કરી શક્યો ભજન તારું માયા પ્રભાવે,
જીવ જાય પહેલાં એકવાર હરિ આવજે તું.
છું દર્શનપ્યાસી હરિવર મીન જળવત્ હજુ,
શરીર છૂટે પહેલાં એકવાર હરિ આવજે તું.
મૂલવજે મને પ્રભુ આખરે માનવ છું જાણી,
કાળ લૂંટે પહેલાં એકવાર હરિ આવજે તું.
તારા દર્શન હોય સંમુખ મૃત્યુ પણ હો મંગલ,
આયખું ખૂટે પહેલાં એકવાર હરિ આવજે તું.