હોય છે
હોય છે
કાગડા તો સાવ કાળા હોય છે,
કાગડી માટે રુપાળા હોય છે,
રામ જપતાં ભાવ જેના હો જુદા,
બગ ભગત ને હાથ માળા હોય છે,
દેખતાં લાગે બિચારા મુખ પરે,
પીઠ પર કરતાં એ ચાળા હોય છે,
હોય મોટા ઘર ભલે, દિલ છે લઘુ,
એ મકાનોને જ તાળા હોય છે,
વાંકુ બોલી કાંકરીઓ ખેરવે,
વાતમાં લોહી ઉકાળા હોય છે,
ચાવવાના એક જોવાના જુદા,
ખેલ એના તો નિરાળા હોય છે,
દંભ સાથે હોય રોતા રોદણાં,
રાખતાં નિજ ’દિવ્ય’, ગાળા હોય છે.
