ગુજરાત
ગુજરાત
કાનમ નીપજે કપાસ પીતાં નર્મદા મૈયા ધાવણ
ખાખરિયો ટપ્પો વાવે બીજ બાજરી જુવાર વણ
ગઢવાડા સતલાસણા પીરસે દૂધ ને માવો મીઠો
ગોઢા લાખણી ગામે જીરું, વરિયાળી, રજકો દીઠો
ગોહિલવાડ દાડમી જામફળ કાઠિયાવાડી ખમીર
ઘેડ ઉપજે બિન જળ ચણા, રૂ ધૂંબડ ધરા અમીર
ચરોત્તર મોકલે તમાકું ને જન અપાર દેશ વિદેશ
ઝાલાવાડ મન મૂકી પકવે મીઠુ દઈ મીઠો સંદેશ,
દંડકારણ્ય ડાંગ મહી વનરાજી ભરી લીલુડાં વાંસ
નળકાંઠો નોતરે પક્ષી પરદેશી લેતાં તાજાં સાંસ,
નાઘેર લીલી માંગરોળે કેળાં, નાળિયેર પાણીદાર
પાંચાળ દેશે ખડ ખાખરા પાણી ને પાણા અણીદાર,
બન્ની કચ્છ કાંઠે બીડ લીલાં ઘાંસ ભર્યાં પાણીડૂબ
ભાલમાં ઘઉં દાઉદખાની વગર પાણીયે પાકે ખુબ,
લાટ પ્રદેશે નદીઓ વહે દક્ષિણે શેરડી સાકર ગોળ
વઢિયાર વાડીયે જીરું, ચણા, અડદ ઉગે ઓળઘોળ,
વાગડ ખેર, બેર, બોર આવળ બાવળ ને પાળિયા
સોરઠ સોહામણો ચીકુ કેરીની બોછાર તટ માળિયા,
હાલાર બરડે ડુંગર કરમદા, જાંબુ, રાયણ આમળા
નરવા ને ગરવાં ગુજરાતે અસંખ્ય ઓઢ્યાં કામળા.
