દરિયા દેવ..,,,
આવો ભૂલકાં આવો, લો શંખ કોડા-કોડી
લહેરાવું મને ગમે, કરજો કિનારે દોડા-દોડી
પૂછીએ ઓ દરિયા દેવ,
જ્યાં નજર નાખીએ ત્યાં પાણી પાણી
રે કહો રે તમારી કહાણી
બુંદ બુંદનો સરવાળા શીખી , થયા અમે તો દરિયા
નથી ફક્ત અમે ખારા- ખારા, પણ વૈભવથી ભરિયા
સાગરથી મહાસાગરની પદવી દે વસુધા વ્હાલી
રાત ઢળે ને ખીલે ચાંદની, હૈયે ભરતી ના રહે ઝાલી
હોય તપતા સૂરજ માથે કે શીતલ સુધાકર ગગનના
અમારી યારી જગ કલ્યાણી, ઝરમર ઝીલો અંતરના
જે દાતાએ વૈભવ દીધો, છે ખારો કહીં રાંક ના થઈએ
નાનાં-મોટાં જલચરો સંગ, નીત અમે ખેલતા રહીએ
સાત ખંડોએ જલ સેતુ રચી, વિહંગ સંગ વાતું કરીએ
લો છીંપલું છે બહું કિમંતી, ધવલ મોતીની ભેટ ધરીએ.
રવ અમારો ભલે ઘેઘૂર, દરિયા દિલી અમારી ન્યારી
પર્યાવરણના પ્રેમની , અમારી આશા ન રાખજો અધૂરી (૨)
રમેશ પટેલ(આકાશદીપ)