એવું ના બને
એવું ના બને
વસંત પધારે ને ફૂલડાં ના હસે, એવું ના બને !
પૂનમનો ચંદ્ર આભે ખીલે, ને સાગર હેલે ના ચઢે,
એવું ના બને !
મેહુલિયો ગાજે ગગને, મોરલો ટહુકા ના કરે
બોલો એવું બને ? એવું ના બને !
ગુલાલની છોળો ઊડે, ને હોળી યાદ ના આવે,
એવું ના બને !
રણ યુધ્ધે કોઈ લલકારે, ને ભારતીય લાલ પડકાર ના ધરે,
એવું ના બને !
બંસરી મધુરી વાગે વૃંદાવને, ને મોહન મનમાં ના રમે,
બોલો એવું બને ? એવું ના બને !
>
દીપમાલા ઘરને ચોખટે ઝગમગે, ને દિવાળી યાદ ના આવે,
એવું ના બને !
ગાંધી વિચાર વિશ્વવાટે વિચરે, સત્ય અહિંસાનો સંદેશ ના ખીલે,
એવું ના બને !
જય શ્રી સીયારામ હોઠે રમે ને, હનુમંત દેવ હૃદયે ના રમે,
બોલો એવું બને ? એવું ના બને !
નારદજીનું નામ પડે, ને નારાયણ મંત્રનું રટણ ના ગુંજે,
એવું ના બને !
મહિસાગર સાગરશા છલકાય, ને વતન મહિસા યાદ ના આવે,
એવું ના બને !
‘આકાશદીપ’ની કલમ ઉપડે ને, ભારતીય સંસ્કૃતિ ના છલકે,
બોલો એવું બને ? એવું ના બને !