બત્રીસ લક્ષણા દાંત
બત્રીસ લક્ષણા દાંત


દાંત
બત્રીસ, લક્ષણા !
વિના કાઢ્યે,
દાંત કાઢે, કઢાવે,
દાંતિયા ય કાઢે,
કાપે, ચાવે, તોડે,
ચાવવાના ય જુદા,
ને દેખાડવાના ય જુદા,
જો કે ધર્મની ગાયના દાંત ના જોવાય,
દળે ને દાઢમાં ય રાખે,
હંગામી ને દુધિયા ય ધોળા,
ખીલા ને રાક્ષસી ય ધોળા,
વળી કાયમી હોય હંગામી
ડહાપણ પણ અણગમતું,
ડાહી ડમરી દાઢ કઢાવે,
ચાંદી પૂરાવે,
સિમેન્ટ
ભરાવે,
બત્રીસી નખાવે,
જિંદગીભર ખાય ને ખવડાવે,
અન્ન અને દાંતને વેર ?
દાંત આપ્યા છે,
તો ઉપરવાળો ચાવવાનું ય આપશે,
ગુસ્સો ચડે મગજને,
કચકચાવે દાંત,
ટાઢ ટાણે થરથર ધ્રૂજે,
હોય મોતી કે દાડમ દાણા જેવા,
કોઈના દાંત કોઈ ખાટા કરે,
કોઈના અંબાઈ જાય,
કોઈ લાફો મારે તો,
બત્રીસી હાથમાં આપી દ્યે,
ચ, છ, જ, ઝ, ઞ ને આપે હાથતાળી,
ત, થ, દ, ધ, ન ને કરે થાપો,
છે ને બત્રીસ લક્ષણા દાંત ?