બગલો થઈને બેઠો માનવ હંસલો
બગલો થઈને બેઠો માનવ હંસલો
માનવ હંસલો આજ સ્વાર્થમાં જુઓ બગલો બનીને બેઠો
છોડી પરમાર્થ સઘળા માનવ લોભના કાદવમાં ફસાઈને બેઠો,
ન કરવાના કરતો ઈ કામો, લાજે પણ નહીં જરાય
મોતી છોડીને માછલી પકડી, ગંદગી ચૂંથવા બેઠો,
છોડી પરમાર્થ સઘળા માનવ લોભના કાદવમાં ફસાઈને બેઠો,
ભણ્યો ઝાઝું પણ ગણ્યો નહીં, અવળે માર્ગે વળ્યું જ્ઞાન,
રાષ્ટ્રની હવે ઈ ચિંતા છોડી, બસ પોતાનું જ ઘર ભરવા બેઠો,
છોડી પરમાર્થ સઘળા માનવ લોભના કાદવમાં ફસાઈને બેઠો,
રક્ષા કરે જે પ્રકૃતિ એનો જ સંહાર કરતો આ સદાય
વિપત પડતા દોષ ભગવાનને દઈને પોતે કેવો રડવા બેઠો,
છોડી પરમાર્થ સઘળા માનવ લોભના કાદવમાં ફસાઈને બેઠો,
'રાજ ' સુખમાં સાંભળે ન હરિ લગાર, કરતો ઝાઝાં કાળા કામ,
દુઃખમાં હરિને લાડવા ધરી, ફરી પાછો ધન માંગવા બેઠો,
માનવ હંસલો આજ સ્વાર્થમાં જુઓ બગલો બનીને બેઠો,
છોડી પરમાર્થ સઘળા માનવ લોભના કાદવમાં ફસાઈને બેઠો.