આસમાન
આસમાન
ગગન, આભ, વ્યોમ, અંબર, આકાશ કે પછી કહો ને આસમાન,
માણી લ્યો આસમાનને, આસમાન જેવું ક્યાં કશું જાજરમાન છે,
કુદરતે આપ્યું છે બધુ અખૂટ, કુદરતની દેન રહી છે બધે અસીમ,
આસમાન ને જોતા જ લાગે, આસમાન તો વિશાળતાનું સન્માન છે,
દુનિયામાં રંગની હોય છે ચાહ, આસમાન છે રંગોની દુનિયાનો બાદશાહ
ઉદિત થતી ઉષા અને ઢળતી સંધ્યાના રંગ જુઓ, કેટલા દેદીપ્યમાન છે,
આસમાનમાં વાદળોની વચ્ચે સેર કરતા ચાંદા મામાને જોયા છે ક્યારે ?
એવું લાગે આસમાન જાણે, ચાંદા મામા માટે સંતાકૂકડી રમવાનું મસ્ત મેદાન છે,
પતંગોત્સવ અને ઉત્તરાયણની રજાઓ પછી, આસમાન પણ થઈ જાય છે સૂનું
પોતાની પતંગરૂપી પુત્રીઓએ જાણે, પિયરથી કર્યું સાસરે પ્રસ્થાન છે,
આસમાનની વાત જેવી આપણા મિલનની વાત પણ છે એક સમાન,
આપણા મિલનમાં પણ, આસમાન અને ધરતીના મિલન ‘ક્ષિતિજ’નું અનુસંધાન છે.
