Mariyam Dhupli

Classics Tragedy Crime

1.0  

Mariyam Dhupli

Classics Tragedy Crime

ભેટ

ભેટ

7 mins
13.6K


મ્યાનમાંથી નીકળેલ તલવારની ધાર પ્યાસી હતી અને એને બહાર ખેંચનાર હાથ પણ એટલાજ પ્યાસા. હવે એ પ્યાસ નજરની સામે નિંદ્રાધીન યુવાન શરીર ના બે કટકા કરીને જ સંતોષાવાની હતી ! આ કોઈ વર્ષોજૂનું વેર કે પેઢીઓ જૂનો બદલો નહીં પરંતુ સ્વમાન અને આત્મસન્માન પર પડેલા કષ્ટદાયક વારોના ઉત્તર સમો પલટવાર હતો. પુરુષો રચિત નિયમો પર ઉભેલા સમાજના મૂળને જડમાંથી ખેંચવાની એક ક્રોધિત પ્રતિક્રિયા હતી. એક સ્ત્રી તરીકે તમામ ફરજો સહૃદય પૂર્ણ કર્યા પછી ભેટમાં મળેલ દગા માટેની પરત 'ભેટ' હતી. રાણી ભાનુમતી અંધકારથી છલોછલ તોફાની રાત્રીમાં, વિશાલ રજવાડા મહેલના અંધકારમય શયનકક્ષમાં , હાથમાં નગ્ન તલવાર થામી ઉભા હતા. આંખમાંનો ક્રોધ જાણે લોહી બની ટપકી રહ્યો હોય એમ આંખોનો રંગ રાતોચોળ અંધકારને ભેદી ચમકી રહ્યો હતો. ભવ્ય રજવાડી પથારી પાછળ રાણા પ્રતાપસિંહની વિશાળ છબી પર ચઢેલી હારમાળા એમના મૃત્યુ સમાન તદ્દન તાજી હતી. મહેલની અર્ધ ખુલ્લી બારીમાંથી સુસવાટા મારતો પવન મહેલના બહાર ગરજી રહેલ તુફાનની સાથે રાણી ભાનુમતી ના અંતરમાં ભડકી રહેલ તુફાન પ્રતિબિંબ પાડી રહ્યો હતો. પતિની તસ્વીર માં પરોવાયેલ એ લોહિયાળ આંખો પોતાની સાથે થયેલ અન્યાયનો ઉત્તર માંગી રહી હત.

પણ ઉત્તર હતોજ ક્યાં ? રાણા પ્રતાપસિંહ ના 

આકસ્મિક મૃત્યુ સાથે તમામ ઉત્તરો એમની ચિતા જોડે જ ભસ્મ થઇ ચુક્યા હતા. 

વર્ષો પહેલા રાણી ભાનુમતી રાણા પ્રતાપસિંહ 

જોડે લગ્ન કરી આ રાજમહેલમાં પ્રવેશ્યા હતા. રાજમહેલની દરેક પરંપરાઓ અને રહેણીકરણી એમણે પોતાના અસ્તિત્વના ઉંડાણો સુધી ઉતારી દીધી હતી. આદેશપાલનનો જીવતોજાગતો એક આદર્શ નમૂનો બની જીવનની દરેક ક્ષણ જીવી હતી. કેમ બેસવું, કેમ ચાલવું , કેટલું બોલવું, ક્યારે બોલવું, કેટલું જમવું, કઈ રીતે જમવું, બધુજ કોઈ લખાણવીહીન પુસ્તકના નિયમો સમું જ તો હતું. રાણા પ્રતાપસિંહ આમ તો એક આદર્શ પતિ હતા . પત્ની તરીકેનું માન સન્માન એમને પતિ તરફથી સહઆદર મળતું. તેઓ જાતે પણ રાણા પ્રતાપસિંહનું એટલુંજ માનસન્માન જાળવતા. પરંતુ એ માન કદી પ્રેમમાં પરિણમી શક્યું નહીં. એની પાછળનું કારણ રાણા પ્રતાપસિંહ જ નહીં રાજમહેલમાં હાજર દરેક વ્યક્તિ સારી પેઠે જાણતી, રાણા પ્રતાપસિંહના હૃદયમાં હાજર પિતા પ્રત્યેનો અનન્ય ડર ! મહારાજા ઉદયસિંહની ધાક અને ક્રોધિત સ્વભાવનો બાળપણથી શિકાર બનેલ રાણા પ્રતાપસિંહ પિતાની હાજરીમાં એક શબ્દ ઉચ્ચારી શકતા નહીં. પિતાની હા માં હા અને નામાં ના. પિતા કહે દિવસ તો દિવસ , રાત કહે તો રાત. જીવનનો એક નિર્ણય પણ પિતાની ઈચ્છા વિના લઇ શકવાની ન તો હિંમત કેળવી શકતા , ન એમના કોઈ અન્યાય સામે વિરુદ્ધ વિરોધ નોંધાવી શકતા. આંખો સામે થતા અન્યાયની સામે પિતા પ્રત્યેના ભયની કાળી પટ્ટી ચઢાવી ,મૌનપૂર્વક માથું જુકાવી, કાયર હૃદયને કઠપૂતળી જેવા શરીરમાં જાણે દફનાવી દીધું હતું. આમ તો રાણા પ્રતાપસિંહ મહારાજા ઉદયસિંહ ના એકના એક પુત્ર . પણ રાણી ભાનુમતીને ગુપ્તચરો થી જાણવા મળ્યું હતું કે મહારાજા ઉદયસિંહને રાણા પ્રતાપસિંહ પછી અન્ય બે પુત્રીઓ પણ જન્મી હતી. પરંતુ એ દુષ્ટ આત્મા એ જન્મતા વેંત બન્ને બાળકીઓની હત્યા કરાવી નાખી હતી. વંશ તો ફક્ત પુત્ર સંભાળે, પુત્રી નબળાઈ નું સ્વરૂપ અને મહારાજા ઉદયસિંહના મહેલ માં નબળાઈનું કશે સ્થાન ન હતું ! 

રાણી ભાનુમતીને જયારે પ્રથમ બાળક મૃત જન્મ્યું એ પ્રસંગે મહારાજા ઉદયસિંહ એ ઉચ્ચારેલ શબ્દો હજી આજે પણ એમની શ્રવણ ઇન્દ્રિયોમાં ગુંજતા હતા :

"સારું થયું કે મૃત જન્મી નહિતર."

આ અધૂરા છોડાયેલ વાક્યને રાણી ભાનુમતી એ અસંખ્ય વાર મનોમન પૂર્ણ કરવા પ્રયાસ આદર્યો હતો :

નહિતર ઝેર આપી મારી દીકરી ને મારી નાખત...

નહિતર તલવારથી એ માસુમ શરીર ના બે કટકા કરી નાખત ...

નહિતર કુવા માં નાખી એ માસુમ શરીર ને ડુબાવી નાખત ...

નહિતર મારી આંખો ની સામેજ એનું ગળું ઘોંટી....નહીં..નહીં...

રાણી ભાનુમતી એ ઈશ્વરને આજીજી કરી કે આ રાજમહેલમાં દીકરી માટે સ્થાન નથી. મારી કોખે મને ફક્ત પુત્રજ ભેટ આપજે. ઈશ્વરે 

એમની દ્રિધા સમજી એમની પ્રાર્થના સ્વીકારી. રાણી ભાનુમતીને ત્રણ પુત્રો વરદાન સ્વરૂપે મળ્યા. પુત્રોના ઉત્તમ ઉછેર માટે રાણા પ્રતાપસિંહ અને રાણી ભાનુમતી એ શ્રેષ્ઠ માતાપિતા તરીકે દરેક કર્તવ્યો સહૃદય નિભાવ્યા. રાજમહેલના કારભાર સંબંધી કાર્યોની પૂરતી માટે ઘણા દિવસો સુધી દૂરંદેશ રહેતા રાણા પ્રતાપસિંહની નિયમિત લાંબી ગેરહાજરીઓમાં રાણી ભાનુમતી માતાપિતાની બેવડી ભૂમિકા બખૂબી નિભાવતા. સુંદર સંસ્કારના સિંચન સ્વરૂપ ત્રણ યુવાન રાજકુંવરોને જોઈ મહારાજા ઉદયસિંહ ની મૂંછો ગર્વથી વધુ ઊંચે ફરકતી. પોતાની તમામ સંપત્તિ એમણે રાણા પ્રતાપસિંહ અને ત્રણ રાજકુંવરો વચ્ચે સમાન ભાગે વહેંચી નાખી. રાણી ભાનુમતીને એ વસિયતમાં કશે સ્થાન ન મળ્યું . જ્યાં સ્ત્રી જાતને માન અને હૃદયમાં સ્થાન ન મળતું હોય ત્યાં ધનસંપત્તિ તો બહુ જ દૂરની વાત ! પરંતુ પોતાના પતિ અને બાળકો પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા બજાવવા માટે કોઈ અંગત સ્વાર્થ કે પરત ભેટની રાણી ભાનુમતી એ પણ ક્યાં આશા સેવી હતી ?

નિયતિ કદી જીવનને એકસમાન વહેણમાં વહેવા દેતી નથી. અનેપેક્ષિત અને અનિશ્ચિત જીવનની સાબિતી આપતી એક ઘટના એ રાણી ભાનુમતીના જીવનનું સ્વરૂપ પણ મૂળમાંથીજ બદલી નાખ્યું. એક અકસ્માતમાં રાણા પ્રતાપસિંહ અને મહારાજા ઉદયસિંહ એક સાથે મૃત્યુ પામ્યા. પતિની છત્રોછાયા ગુમાવાની પીડા તો જાણે કંઈજ નહીં હોય એવી એક અસહ્ય વાસ્તવિકતા રાણી ભાનુમતી સામે આવી ઉભી. રાજ પરિવારના સૌથી જુના અને ભરોસાપાત્ર વૃદ્ધ સેવક શ્યામ શરણ પોતાના હૃદયમાં આ રાજપરિવારના કેટલાય રહસ્યો અને અન્યાયોનું જ્ઞાન સાચવી બેઠા હતા. એમાંથી એક જ્ઞાન મહારાજા ઉદયસિંહના મૃત્યુ સાથેજ એમણે રાજપરિવારના સભ્યો સામે છતું કર્યું, રાણા પ્રતાપસિંહની આખરી ઈચ્છા સ્વરૂપે !

પોતાના હિસ્સાની તમામ વસિયત એક યુવાન યુવતીને નામ કરી, પોતાના મૃત્યુ પછી એ યુવતીને આ રાજપરિવારના એક સભ્ય તરીકે અને પોતાના બાળક તરીકેનો દરજ્જો અર્પણ કરી ગયેલ રાણા પ્રતાપસિંહ જાણે રાણી ભાનુમતીની તમામ કર્તવ્યપરાયણતાને એક જોરદાર થપ્પડ મારી ગયા. પુરુષપ્રધાન સમાજની આ લાત રાણી ભાનુમતી માટે અસહ્ય દર્દજનક બની રહી. રાણાપ્રતાપસિંહની દૂરંદેશી યાત્રાઓ, એક પર સ્ત્રી સાથેના શારીરિક સંબંધો અને એ અનૈતિક સંબંધોની નિશાની રૂપ એમની આંખો સામે પોઢેલું આ યુવાન શરીર એમની આત્માને ભટ્ટી સમું ભડકાવી રહ્યું હતું. જે સ્થળે સ્ત્રી તરીકે જન્મવાની પરવાનગીન હતી તેજ સ્થળે સ્ત્રી જીવનના દરેક રૂપ નો ઉપભોગ મન માણીને કઈ રીતે થાય ? પોતાના પતિની કાયરતા પર અનુભવાતી લાજ આજે ઘૃણા અને તિરસ્કાર માં પરિવર્તિત થઇ ચુકી હતી. આજે રાજપરિવાર આગળ આ યુવતીનું આગમન અને રાજમહેલમાં મળેલ એના હકના સ્વીકારે રાણી ભાનુમતીની પ્રતિષ્ઠાના ચૂરેચૂરા કરી નાખ્યા હતા. રાજમહેલની દરેક દીવાલ જાણે એમની મશ્કરી ઉડાવી રહી હતી. રાણાપ્રતાપનું વેર એના ગંદા લોહીથી લેવા રાણી ભાનુમતીની તલવાર થનગની રહી હતી. હવામાં ઉંચકાયેલ તલવાર એ યુવાન શરીર ને સ્પર્શે એ પહેલાજ એ શરીર સચેત થઇ સ્ફૂર્તિમય પથારી છોડી ઉભું થઇ ગયું. પોતાના પર ઉંચકાયેલ તલવારથી પોતાને સુરક્ષિત રાખવા શીખવવામાં આવેલ સુરક્ષા શૈલીઓ નું ઉત્તમ પ્રદર્શન કરતી એ રાણી ભાનુમતીના દરેક વારને નાકામ કરી રહી. એક ઘાયલ સિંહણની જેમ રાણી ભાનુમતી પહેલા કરતા પણ બમણા ક્રોધાવેશમાં પ્રહાર પર પ્રહાર કરી રહ્યા. વૃદ્ધ ઘરડા છતાં અનુભવી અને સચેત કાન સેવક શ્યામશરણને એ કક્ષ માં ખેંચી લાવ્યા. રાણા પ્રતાપસિંહની અમાનત ને સાચવવા પોતાની ફરજ પૂર્ણ કરતા એ રાણી ભાનુમતી અને યુવતીની વચ્ચે ઢાલ સમા ઉભા રહી ગયા. બદલ ની આગમાં નિયઁત્રણ ગુમાવેલ રાણી ભાનુમતી એ વૃદ્ધ શરીરને હડસેલી યુવતી પર ફરી પ્રહાર કર્યો. તલવારની ધાર યુવતીના શરીરની ખુબજ નજીકથી સ્પર્શી ને નીકળી ગઈ . યુવતી ના શરીરના ઉપર તરફથી એના વસ્ત્રોને વીંધી ને નીકળેલી તલવારે શરીરનો કેટલોક ભાગ ઉઘાડો કર્યો. યુવતીની છાતી નજીક નું એક ગાઢ કાળું તિલ અંધકાર રાત્રીમાં વીજળીના ચમકારા થી સ્પષ્ટ દ્રશ્યમાન થયું. રાણી ભાનુમતીના હાથ કંપવા માંડ્યાં અને તલવાર એમના હાથમાંથી સરી પડી. 

એક આવુજ ગાઢ કાળું તિલ એમના શરીર પર પણ એજ સમાન જગ્યાએ ઉપસ્થિત હતું !

શ્યામ શરણની આંખો માં આંખો પરોવી રહેલા રાણી ભાનુમતી ના વિસ્મય અને આશ્ચર્યને એક મૌન, ફિક્કા, પરિપક્વ, વૃદ્ધ હાસ્ય ની હામી મળી. યુવતી કઈ સમજે એ પહેલાજ બે મમતાભર્યા હાથો એ અશ્રુના સાગરમાં ભીંજાયેલી આંખો વડે એને ગળે લગાવી દીધી. પાછળ ભીંત ઉપર લટકાયેલી તસ્વીરમાં રાણા પ્રતાપસિંહ ના ચ્હેરા ઉપર રાણી ભાનુમતીની આંખો સ્પર્શી. પોતાની મૃત જાહેર કરાયેલ દીકરીને જીવતી જાગતી સુરક્ષિત  મમતાના  આંચલમાં  ભેટ ધરનારા પોતાના પતિ પ્રત્યેના માન સન્માન આખરે પ્રેમમાં જ પરિણમી ગયા...


Rate this content
Log in

Similar gujarati story from Classics