Nimisha Mistry

Inspirational Classics Tragedy

4.2  

Nimisha Mistry

Inspirational Classics Tragedy

વિશ્વાસઘાત

વિશ્વાસઘાત

7 mins
22K


આજે નિકીતા ખુશ હતી. એને મુંબઇથી દૂર દહેરાદૂનમાં એક સરકારી સ્કૂલમાં નોકરી મળી ગઇ હતી. એણે આજે રાત્રે ઘરમાં પોતાનો નિર્ણય જણાવવાનું નક્કી કર્યું. એ રાત્રે એણે મમ્મી-પપ્પા અને ભાઇ-ભાભીને પોતાનો નિર્ણય જણાવી દીધો કે એ બે દિવસમાં દહેરાદૂન માટે નીકળે છે. મમ્મીએ કહ્યું કે આટલું દૂર શું કામ? નોકરી તો અહીં પણ મળી જશે. ને ગુડીયા પણ ચાર વરસની જ છે. પણ એ ન માની. એમ પણ અમનના ગયા પછી એ ભાઇ-ભાભી પર બોજ બનવા નહોતી માંગતી. એના લીધે મમ્મીને ભાભીના સાંભળવા પડતા ટોણાંથી એ અજાણ નહોતી જ.

દહેરાદૂનમાં એને સરકારી ક્વાટર મળ્યું હતું. નાનકડી ટેકરી પર સરસ નાની બંગલી હતી. મમ્મી જીદ કરીને સાથે આવી હતી થોડા દિવસ માટે. એને ટેન્શન હતું કે આટલે દૂર નવી જગ્યામાં ગુડીયા સાથે નિકીતા એકલી કેમ રહેશે. પણ અહીંના મળતાવળા લોકો અને સુંદર વાતાવરણ જોઇને એમનું મન ઠર્યું. સ્કુલ પણ નજીક જ હતી. નિકીતા સેટ થઇ ગઇ એટલે મમ્મી મુંબઈ આવી. ગુડીયા તો ખૂબ જ ખુશ હતી નવા ઘરમાં આવીને. નિકીતાએ એનું એડમિશન પોતાની જ સ્કૂલમાં કરાવી દીધું હતું. બધું સરસ ગોઠવાઈ ગયું હતું. નિકીતા પણ અમનની યાદોમાંથી બહાર આવવા લાગી હતી ધીરે-ધીરે. સ્કૂલમાં ભણતા નાના ભુલકાઓમાંએ ખોવાઈ જતી હતી. પણ હજુય એ બહારના લોકો સાથે વધુ હળતી - મળતી નહીં.

એક દિવસ એ ઘરેથી સ્કૂલ જવા ગુડીયાને લઇને ટેકરીના પગથિયાં ઉતરી રહી હતી ત્યાં જ એની સાથે પાછળથી કોઇ ભટકાયું. એણે ગુસ્સામાં પાછળ જોયું તો સસલાનું માસ્ક પહેરેલી એક વ્યક્તિ હતી. "સોરી." એ બોલ્યો.

ગુડીયા તો એને જોઇને તાળીઓ પાડવા લાગી. એણે ગુડીયાને હાય કર્યું. નિકીતા ગુડીયાને લઇને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઇ. ત્રણેક દિવસ પછી ટેકરીની છેલ્લી સિડી પર એને ફરી એજ વ્યક્તિ મળી. આજે એણે વાઘનો માસ્ક પહેર્યો હતો. ગુડીયા એને જોઇને આ વખતે ડરી ગઇ. એણે માસ્ક ઉતાર્યો ને ગુડિયાને હાય કર્યું. નિકીતા ગુડીયાને લઇને ત્યાંથી જવાની જ હતી કે એણે કહ્યું, "હું સમીર છું, કાલે રવિંદ્ર નાટ્યમંદીરમાં અમારું નાના બાળકો માટેનું નાટક છે. આ નાટકની બે ટીકીટ છે. તમે લોકો આવશો?" 

નિકીતાએ એને ઉપરથી નીચે સુધી જોયો. ગોરો વાન, પહોળા ખભા, વિશાળ કપાળ, સોનેરી રંગના થોડા કર્લી વાળ, લગભગ પાંચ ફૂટ આઠ ઇંચની લંબાઇ, હોઠો પર એક માસૂમ મુસ્કુરાહટ ને સોહામણો, કોઈને પણ જોતાંજ ગમી જાય એવો ચહેરો. એની આંખોમાં એક અજબ માસુમિયત હતી. નિકીતા એને ઘડીભર જોઇ રહી. ગુડીયાના અવાજે એની તંદ્રા તોડી. ગુડીયાએ જીદ કરી કે મારે નાટક જોવું જ છે. આખરે ગુડીયાની જીદ માટે એણે બે ટીકીટ લીધી ને પૂછ્યું, "કેટલા પૈસા ?" સમીર બોલ્યો, "એકના સો રૂપિયા." નિકીતાએ પર્સમાં હાથ નાખતા કહ્યું કે “એટલા તો નથી મારી પર્સમાં હમણાં!” સમિરે કહ્યું, "ઇટ્સ ઓકે, કાલે સાંજે થિયેટર પર આપી દેજો. બાય ગુડીયા. કાલે મળીયે. તને ત્યાં ભાલુ, બંદર, હાથી દાદાને શિયાળ સાથે મળાવીશ." ગુડીયા તો ખુશીથી નાચવા લાગી.

બીજા દિવસે નિયત સમયે એ લોકો થિયેટર પર પહોંચી ગયા. નાટક પાંચ મિનિટમાં ચાલુ થયું. ગુડીયા તો કાલુ બંદર, હાથી દાદાને બીજાં પ્રાણીઓને જોઇને ખૂબજ જ ખુશ થઇ ગઇ. નિકીતાને નાટક પણ ગમ્યું. એ અમનના ગયા પછી નાટક કે સિનેમા જોવા ગઇ જ નહોતી. એ હવે ઊભી થઇને સમીરને પૈસા આપવા શોધવા લાગી. ત્યાં સમીર સસલાનું મહોરું પહેરીને સામેથી આવ્યો. ગુડીયા તો એને જોઇને ખુશ થઇ ગઇ. સમીરે માસ્ક ઊતર્યું, ને ગુડીયાને હાય કર્યું. નિકીતા એ સમીરને પૈસા આપ્યાને કહ્યું કે નાટક સરસ હતું. ગુડીયાને પણ ગમ્યું. સમીરે થેન્ક્સ કહ્યું ને ગુડીયા સામે જોઇને પુછ્યું, "ડેડી ન આવ્યા તારા?" ગુડીયા આકાશ તરફ આંગળી કરીને બોલી, "એ તો ત્યાં ભગવાન પાસે ગયા છે, એ કેવી રીતે આવે?" 

આ સાંભળીને સમીરે નિકીતા તરફ જોઇને કહ્યું, "આઇ એમ સોરી." નિકીતા ત્યાંથી ઝડપથી નીકળી ગઇ. બીજા દિવસે બપોરે નિકીતાના ઘરની ડોરબેલ વાગી. બારણું ખોલતા સામે સમીર ઉભો હતો. નિકીતાને જોઇને એ બોલ્યો, "આ તમારા એક પાસ ના રૂપિયા, તમે એકલા જ આવ્યા હતા કાલે, ને બાળકો માટે તો નાટક ફ્રી છે." નિકિતા થેન્ક્સ કહીને દરવાજો બંધ કરવાની હતી, ત્યાં જ ગુડીયા અંદરથી આવી ને જોઇને બોલી, "રેબિટ અંકલ! મને રેબિટની સ્ટોરી સંભળાવો ને..." નિકીતાએ કહ્યું કે હમણાં અંકલને કામ છે તો નેક્સટ ટાઇમ સંભળાવશે." ગુડીયાએ થોડી નારાજગી બતાવતાં કહ્યું, "પ્રોમિસ?" સમીર બોલ્યો, "પક્કા પ્રોમિસ..." ને ગુડીયાને બાય કહીને ચાલ્યો ગયો.

બે દિવસ પછી સાંજે નિકીતા માર્કેટ ગઇ હતી, ત્યાં સમીર દેખાયો. એ કોઇ સાથે વાત કરતો હતો. નિકીતા એને જોયું-ન-જોયું કરીને આગળ વધી ગઇ, પણ ગુડીયાનું ધ્યાન જતાંજ એ જોરથી બોલી, "મમ્મા, રેબિટ અંકલ!" ત્યાં તો સમીરનું પણ ધ્યાન એમના તરફ ગયું. સમીર એમની પાસે અવ્યો ને ગુડીયાને હાય કર્યું. નિકિતાએ પણ થોડા ખચકાટ સથે સ્માઇલ આપી, ત્યાં ગુડીયા બોલી, "આજે તો તમારે મને સ્ટોરી કહેવી જ પડશે." નિકીતા થોડા ગુસ્સમાં બોલી "ગુડીયા, માર્કેટમાં સ્ટોરી કેવી રીતે કહેવાય?" ગુડીયા બોલી, "ઘરે તો કહેવાય ને? અંકલ, ઘરે ચાલો. પણ આજે મને મંકીની સ્ટોરી સાંભળવી જ છે. તમે પ્રોમિસ કર્યું હતું." નિકીતા બોલી, "અંકલનું નાટક હશે હમણાં, ગુડીયા, જીદ ન કરીયે... હું તને કહીશ સ્ટોરી. બસ?" ગુડીયા મોં ફૂલાવીને બોલી, "ના. તમને અંકલ જેવી રીતે એક્શન કરીને કહેતા નથી અવડતી. હું અંકલ પાસેથીજ સાંભળીશ." સમીર નાટકીય ઢબે બોલ્યો, "નારાજ ન થાવ રાજકુમારીજી, આજે તમને આ બંદો સ્ટોરી જરુર સંબળાવશે." ને ગુડીયા હસી પડી. નિકિતા બોલી, "તમારો શૉ નથી આજે?" સમીરે કહ્યું, "ના, આજે થિયેટર પર લાઈટનો પ્રોબ્લેમ થયો છે. સવારથી કામ ચાલુ છે પણ આજે પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય એવું લાગતાં આજનો શૉ કેન્સ્લ કર્યો છે. એથીજ માર્કેટ્માં ચક્કર મારવા આવ્યો હતો." નિકીતા બોલી, "ઓકે, તો સાથે ચા પીશું, ચલો ઘરે. તમે ગુડીયાને સ્ટોરી પણ સંભળાવી દેજો."

એ સાંજે સમીરે ગુડીયાને ઘણી સ્ટોરી સંભળાવી, સસલાથી લઇને રાજા-રાણી સુધીની... સ્ટોરી કહેતી વખતે એ એકદમ બાળ સહજ બની જતો, કેટાલાંય અવાજ કાઢતો, ને કેટલીય એક્શન કરતો હતો. એ જાણે ખોવાઇ જતો વાર્તાના દરેક પાત્રમાં! ગુડીયા સાથે નિકીતાની પણ નજર એના પરથી હટતી નહોતી. આમાં સમયનું કોઇને ભાનજ ન રહ્યું. આખરે સમીરનું ધ્યાન ઘડીયાલ તરફ જતાં એ બોલ્યો, "અરે! સાડા આઠ વાગી ગયાં. હવે હું જાઉં, નહીતર મારી નાટક મંડળી આખા દહેરાદૂનમાં મને શોધવા નીકળશે." ગુડીયા ખૂબજ ખુશ હતી. એ હજુ પણ વાર્તાઓના ભાવ વિશ્વમાંજ હતી જાણે. નિકીતાની આંખ સામેથી પણ સમીર ખસતો જ નહોતો. પણ એણે પોતાના મનને ટપાર્યું કે આ તો એ એક એક્ટર છે, લોકોના દિલો-દિમાગ પર છવાઇ જવાની આદત હોય છે આ લોકોને!

બીજા દિવસે સમીર નિકીતાને સ્કુલમાં મળી ગયો. એ લોકો પ્રિન્સિપલને નાટક જોવા આવવાનું આમંત્રણ આપવા આવ્યા હતા. નિકીતાને જોઇને બોલ્યો, "તમે અહીં?" નિકીતાએ કહ્યું કે એ ત્યાં ટીચર છે. ત્યાં તો રીસેસ પડતા ગુડીયા ત્યાં આવી, ને સમીરને જોઇને ખુશ થઇ ગઇ. એણે કહ્યું, "રેબિટ અંકલ, આજે કઇ સ્ટોરી સંભળાવશો?" સમિરે કહ્યું કે આજે એ બીઝી છે, પણ કાલે બપોરે એ જરુર સંબળાવશે સ્ટોરી. નિકીતાએ કહ્યું કે સાથે જમશું. ગુડીયા બોલી, "હું જમતા જમતા પણ સ્ટોરી સાંભળીશ."

સમીરે હસીને કહ્યું, "ઓક્કે, રાજકુમારીજી." સમીરને પણ મિઠડી ગુડીયા સાથે સમય વિતાવવો ગમતો હતો.

બીજા દિવસે બપોરે એ આવ્યો. આજે ઘણાં સમય પછી નિકીતાએ એને ગમતા લાઇટ બ્લ્યુ કલરનાં સલવાર - કમીઝ પહેર્યા. કાજલ લગાવ્યું. હળવી લિપ્સ્ટિક લગાવાનું મન થયું પણ એણે માંડી વાળ્યું. ખુદને અરીસામાં જોઇ. આજે એ ખુદને જ અલગ લાગી. ત્યાં સમીર આવ્યો. એ બે ઘડી નિકિતાને જોઇ જ રહ્યો. ત્યાં તો ગુડીયા આવીને કહેવા લાગી, "રેબિટ અંકલ, સ્ટોરી... સ્ટોરી..." ને એનો હાથ ખેંચીને પાછળ બનાવેલા નાના ગાર્ડનમાં લઇ ગઇ. સમીર ફરી એક વખત એને વાર્તઓના ભાવવિશ્વમાં લઇ ગયો. કિચનની બારી ગાર્ડન એરીયામાં જ પડતી હતી. નિકીતા રસોઇ બનાવતા એ બન્ને ને જ જોઇ રહી. એને અમન યાદ આવી ગયો. જાણે અમન રમી રહ્યો હતો બહાર ગુડીયા સાથે! થોડી વારમાં રસોઇ ડાઇનીંગ ટેબલ પર મૂકતાં એ બોલી, "જમવાનું તૈયાર છે, ચાલો..." બન્ને જણા અંદર આવ્યા. સમીરે જમતા જમતા નિકીતાને ખરા દિલથી કહ્યું કે ઘણાં વરસે આવી સરસ રસોઇ જમ્યો. નિકીતાએ સ્માઇલ આપી. સમીરના ગયા પછી નિકીતા ઘણાં સમય સુધી એના વિચારોમાં ખોવાયેલી રહી. એ કદાચ સમીરમાં અમનને શોધી રહી હતી. એણે સમીરની આંખમાં પણ પોતાના માટે કૈંક જોયું હતું. એનું એક મન કહેતું હતું કે એ અમન સાથે, એની લાગણી સાથે વિશ્વાસઘાત કરી રહી હતી. બીજું મન કહી રહ્યું હતું કે જે વ્યક્તિ હવે આ દુનિયામાં નથી એની સાથે વિશ્વાસઘાત કેમ થઇ શકે?! ને વિશ્વાસઘાત તો ઇશ્વરે અમનને પોતાની પાસે બોલાવીને એની સાથે કર્યો હતો! ગુડીયા પણ કેટલી હળી મળી ગઇ છે સમીર સાથે. અમનના ગયા પછી મમ્મી પપ્પા તો ઇચ્છતા જ હતા કે સારું પાત્ર જોઇને એ ફરી લગ્ન કરી લે. આટલી લાંબી જિંદગી એકલા કેમ વિતશે! એનું મન આમ એની સામે જાત જાતની દલીલો કરવા લાગ્યું...

આખરે ચાર દિવસની કશ્મકશ પછી એણે સમીરને મળીને એના વિશે, એના ઘર-પરિવાર વિશે બધું જાણી લેવાનું, ને ખુદના વિશે બધું જણાવવાનું નક્કી કર્યું. સવારે સ્કુલમાંથી છૂટીને એ સીધી થિયેટર પર ગઇ. પણ ત્યાં કોઇ નહોતું. મેનેજરની ઓફીસમાં જઇને પૂછતાં ખબર પડી કે એ લોકો તો કાલે રાત્રે જ નીકળી ગયાં. એણે પૂછ્યું કે એ લોકો કયાં ગયા તો મેનેજરે કહ્યું, "એ તો ખબર નથી પણ કદાચ હવે એ લોકો દિલ્હી થઇને યુરોપની ટ્રીપ પર જવાના હતા." નિકીતાએ પૂછ્યું, "એમનો કોઇ કોન્ટેક નંબર છે?" ને મેનેજરનીના સાંભળીને એની આંખમાં પાણી આવી ગયા.

જિંદગીએ ફરી એક વાર એની સાથે વિશ્વાસઘાત કર્યો હતો !!

સુખ દુખના પ્રસંગો ઘડી-બે-ઘડી છે,

હજી સામે પુરી જિંદગાની પડી છે,

સંજોગોએ તલવાર જ્યારે ઉગામી,

બની ઢાલ અમે ખુદ જાતને ધરી છે. - નિમિશા


Rate this content
Log in

Similar gujarati story from Inspirational